એક સમયે ટ્રક ડ્રાઇવર તરીકે ખેડૂતોની જણસી વેચવા આવતો યુવક આજે બન્યો સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડનો ચેરમેન

ગોંડલના માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણી ગઇકાલે યોજાઇ હતી જેમાં નવા ચેરમેન તરીકે અલ્પેશ છોલરીયા અને વાઇસ ચેરમેન તરીકે ધર્મેંદ્રસિંહ જાડેજાની વરણી કરાઇ છે. ગોંડલ યાર્ડનું સુકાન યુવાઓને સોંપાયું છે.યાર્ડના ચેરમેન તરીકે ભાજપ જિલ્લા મહામંત્રી અલ્પેશ ઢોલરીયાની નિમણૂક કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, લગભગ દોઢેક વર્ષ પહેલા યુનિવર્સિટીની બીકોમની પરિક્ષામાં ડમી ઉમેદવાર બેસાડનાર અલ્પેશ ઢોલરીયાની સર્વાનુમતે વરણી કરાઇ છે.

અલ્પેશ ઢોલરીયાા હાલમાં રાજકોટ ભાજપના નેતા છે. તેમની વરણી થતા જ નોટોનો વરસાદ થયો હતો અને આ દરમિયાન કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. અલ્પેશ ઢોલરીયાની વાત કરીએ તો, તેઓ ગોંડલના લીલીખા ગામના રહેવાસી છે તેઓ પહેલા પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોઇ ડ્રાઇવર તરીકે કામ કરતા અને ભાડાનો ટ્રક લઇ ગોંડલના ગામેગામથી ખેડૂતોની જણસી લઇને ગોંડલ યાર્ડમાં વેચવા માટે આવતા. તેઓ ભાજપમાં સક્રિય રીતે જોડાયેલા હતા

તેઓ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘણા વિશ્વાસુ માનવામાં આવે છે. ગોંડલ શહેર ભાજપ અને રાજકોટ જિલ્લા ભાજપમાં ખંતપૂર્ણ કામ કરીને તેઓ ગોંડલ યાર્ડની ચૂંટણીમાં ભાજપના મેનેડેન્ટ પણ ઉભા રહ્યા હતા અને આજે તેઓ યાર્ડના ચેરમેન બન્યા છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં ડમી ઉમેદવાર ઉતારવાને લઈને પણ તેઓ વિવાદમાં આવ્યા હતા.

ફેસબુક પર શૈલેષ સગપરીયાએ અલ્પેશભાઇને અભિનંદન પાઠવતા ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે લખ્યુ –  ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં ભાડાનો ટેમ્પો લઈને મજૂરી કરનારા યુવાને આજે અબજોનું ટર્નઓવર કરતા એ જ માર્કેટ યાર્ડનું ચેરમેન પદ સંભાળીને ઇતિહાસ રચ્યો. ગોંડલ તાલુકાના લીલાખા નામના નાના એવા ગામના વતની અલ્પેશભાઈ ઢોલરીયા સામાન્ય આર્થિક પરિસ્થિતિને કારણે ભાડાથી ટેમ્પો ચલાવતા હતા. આસપાસના ગામડાના ખેડૂતોનો પાક ટેમ્પોમાં ભરીને ગોંડલના માર્કેટીંગ યાર્ડમાં વેંચવા માટે જતા. ટેમ્પો ડ્રાઇવર તરીકે કામ કરતા અલ્પેશભાઈ એમની કાર્યનિષ્ઠા, સેવા અને સમર્પણના પ્રતાપે આજે સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન બની ગયા.

તેમણે આગળ ફેસબુક પોસ્ટમાં લખ્યુ- વર્ષે અબજો રૂપિયાનું ટર્નઓવર કરતા માર્કેટીંગ યાર્ડના અત્યાર સુધીના સૌથી નાની ઉંમરના ચેરમેન બનવાનો રેકર્ડ પણ કદાચ આ વ્યક્તિના નામે જ નોંધાશે. મિત્રો જીવનમાં કોઈ કામ સામાન્ય નથી. આપણને મળેલું કામ નિષ્ઠાપૂર્વક કરીને આગળ વધવાનો પ્રયાસ કરતા રહીએ તો આપણા સપનાઓને સાકાર કરવા માટે પરમાત્મા પણ સહાય કરતા હોય છે. અલ્પેશભાઈ આપને ખૂબ ખૂબ અભિનંદન.

Shah Jina