ખેડામાં ચાલુ ગરબામાં ખેલૈયાઓ પર પથ્થરમારો, પોલિસકર્મી સહિત કેટલાક ઇજાગ્રસ્ત, કહ્યુ- ‘અહીં ગરબા નહીં રમવાના’

નવરાત્રિમાં ગરબામાં 300ના ટોળાએ હુમલો કરતાં મામલો બિચક્યો, ઘણા બધા થઇ ગયા ઘાયલ- જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઇ નહોતી, ત્યારે કોરોનાનો પ્રકોપ ઓછો થયા બાદ 2 વર્ષ બાદ નવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. ખેલૈયાઓમાં પણ ઘણો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે, આ દરમિયાન કેટલીક અલગ અલગ ઘટનાઓ પણ સામે આવી રહી છે. જેમાં આજે ખેડામાંથી એક પથ્થરમારાની ઘટના સામે આવી છે. અસામાજિક તત્ત્વોએ ખેડામાં ખેલૈયાઓના ખેલમાં ખલેલ ઉભી કરી હોવાનું સામે આવ્યુ છે. અસામાજિક તત્ત્વો દ્રારા ગરબાના રંગમાં ભંગ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

હજી તો ગરબા જામ્યા જ હતા ત્યાં અચાનક અસામાજિક તત્ત્વોનું ટોળું ધસી આવ્યું અને કોઈ કંઈ સમજી શકે તે પહેલા જ ગરબે ઘૂમી રહેલાં લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો. જેને પગલે દોડધામ મચી ગઈ હતી. ખેડાના ઉંઢેરા ગામમાં ગત મોડીરાતે ગરબા સમયે પથ્થરમારાની ઘટના સામે આવતા પોલીસતંત્ર દોડતું થઈ ગયું હતુ. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, એક સમુદાયના 300ના ટોળાએ ગરબા ગાઈ રહેલા લોકો પર પથ્થરમારો કર્યો હતો.

સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જેમાં 6થી 7 લોકો સાથે બે પોલીસ કર્મચારી પણ ઘાયલ થતાં તેમને સારવાર અર્થે ખસેડાયા. જો કે, હજુ વધારે કોઇ ઘર્ષણ ન થાય જેને લઇને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.ઘટનાની જાણ થતા માતર પોલીસ, LCB, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ પથ્થરમારાની ઘટનામાં એક ગાડીના કાચ પણ તૂટી ગયા હતા. હાલ તો ઘટનાને પગલે ગામમાં તણાવનો માહોલ છે.

આ મામલે પોલીસ અનુસાર, ગામમાં જ્યારે ગરબા ચાલી રહ્યા હતા ત્યારે આરીફ અને જહીર તેમની આગેવાનીમાં ટોળું લઇને આવ્યા અને ગરબામાં અડચણરૂપ બન્યા. પહેલા તો ગામના લીડરો દ્વારા તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તે માન્યા નહિ અને થોડા પાછળ જઇને લોકો સામે પથ્થરમારો કર્યો હતો. DSPએ જણાવ્યું કે, તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. આરોપી પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.સ્થાનિકો અનુસાર, અહીં ગરબા નહીં રમવાના તેમ કહી પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

Shah Jina