ખબર

આણંદ જિલ્લાના ત્રણ ગામોની અંદર આકાશમાંથી પડી એવી વસ્તુઓ કે ગામના લોકોમાં વ્યાપી ગયો ભયનો માહોલ

ક્યાંક ખુલ્લા ખેતરમાં તો ક્યાંક છાપરું તોડીને ઘરમાં પડ્યો આકાશમાંથી ગોળો, લોકોમાં સર્જાયો ભયનો માહોલ, જુઓ વીડિયો

દુનિયાભરમાં ઘણીવાર એવી એવી ઘટનાઓ બનતી હોય છે જે હેરાન કરી દેનારી હોય છે. ઘણીવાર આકાશમાંથી કેટલીક વસ્તુઓ પડવાની પણ ઘટના ઘટતી હોય છે, જેના કારણે સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ ફરી વળતો હોય છે. ત્યારે હાલ એવી જ એક ઘટના આણંદ જિલ્લાના ગામોમાં બનેલી જોવા મળી હતી. જ્યાં આકાશમાંથી રાતના અંધારામાં એવી વસ્તુઓ પડી જેને લોકોની ઊંઘ પણ ઉડાવી દીધી.

આણંદ જિલ્લામાં આવેલા ખાકુવા, દાગજીપુરા અને શીલી ગામની અંદર રહસ્યમય રીતે ખેતરોમાં મોટા મોટા ગોળા જેવી અજાણી વસ્તુઓ પડતા ગામ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ લોકોના ટોળા પણ જોવા માટે ઉમટ્યા હતા, લોકોમાં પણ કુતુહલ સર્જાયું હતું કે આખરે આ વસ્તુ છે શું ?

સોશિયલ મીડિયા પર પણ આ અંગે વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તેને ‘એલિયન ગોળા’ ગણાવ્યા છે. હાલમાં, આ ઘટનાની નોંધ લેતા જિલ્લા વહીવટીતંત્રે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ના નિષ્ણાતોને તપાસ સોંપી છે. દાગજીપુરા અને ખાનકુવા પાસે ખેતરમાં ગોળા પડ્યા હતા.

દાગજીપુરાગામની સીમમાં ગુલાબના ખેતરમાં તેમજ ખાનકુવા ગામની સીમમાં ખેતરમાં તેમજ શિલી જીતપુરામાં ખેતરમાં છતના પતરા તોડી આકાશમાંથી ગોળા પડતા જ લોકો ગભરાઈ ગયા હતા. ભાલેજ પોલીસ દ્વારા આ ગોળાને જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારે આજે શુક્રવારે FSLના અધિકારી દ્વારા ગોળાઓની ચકાસણી કરવામાં આવી છે.

જેમાં પ્રાથમિક તબક્કે આ ગોળા સેટેલાઇટમાંથી છુટા પડેલા સ્પેસ બોલ હોવાનું અનુમાન લાગવાંમાં આવી રહ્યું છે. આ ગોળાનું વજન લગભગ 5 કિલો આસપાસ છે. આ ગોળા ફૂટબોલની સાઈઝથી થોડા મોટા અને ગોળાની બંને તરફ મોઢાના ભાગ વેલ્ડીંગ કરાયેલા છે. આકાશમાંથી પડવા છતાં પણ આ ગોળાઓ અકબંધ છે કોઈ નુકસાન થયું નથી. જેના કારણે તે વિશેષ ધાતુમાંથી બનાવ્યા હોવાનું અનુમાન છે.

આકાશમાંથી ગોળાઓ પડતા જ આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ફરી વળ્યો હતો. લોકોમાં હવે એવો ભય પણ ફેલાઈ રહ્યો છે કે ફરીવાર આવી ઘટના બનશે કે નહિ. જો કે આ ગોળાઓ પાડવામાં કોઈ જાન હાનિ કે કોઈને ઇજા થવાની કોઈ ખબર નથી આવી. ગોળા ખેતરમાં પડ્યા હતા. પરંતુ જો રહેણાંક વિસ્તારમાં પડશે તો કોઈને ઇજા થઇ શકે છે એવો ભય લોકોને સતાવી રહ્યો છે.