થોડીવારમાં આવું એમ કહીને નીકળેલા દીકરાને સીટી બસે કચડી નાખ્યો, દીકરાને યાદ કરીને પિતાની આંખો આંસુઓથી છલકાઈ

વડોદરામાં જુવાન દીકરાને દીકરાને યાદ કરી પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, કહ્યું: ‘મારા દીકરાની સગાઇ પછી લગ્ન લીધા હતા, પણ સિટી બસે….’

ગુજરાતમાં અકસ્માતની ઘણી બધી ઘટનાઓ રોજ સામે આવી રહી છે, જેમાં ઘણા માસુમ લોકો મોતને પણ ભેટતા હોય છે, સીટી બસની અડફેટે પણ ઘણા લોકો આવતા હોય છે અને મોતને ભેટતા હોય છે. ગત રોજ રાજકોટમાં પરિવારના આધારસ્તંભ એક યુવકને બેફામ બનેલી બીઆરટીએસ બસે ટક્કર મારી હતી અને તેનું મોત થયું હતું, ત્યારે આવી જ એક ઘટના એક વર્ષ પહેલા પણ વડોદરામાં બની હતી, જેમાં પોતાના કાળજાના કટકા સમાન દીકરાને સીટી બસે અડફેટે લેતા તેનું મોત થયું હતું. (તમામ તસવીરો: દિવ્ય ભાસ્કર)

ત્યારે આજે પણ પિતા પોતાના વ્હાલસોયા દીકરાને યાદ કરીને રડતા રહે છે. વડોદરાના ડભોઇ-વાઘોડિયા રોડ ઉપર આવેલા શિવસ્પન્દ હાઈટ્સમાં રહેતા અરવિંદભાઈ સુથારના 29 વર્ષીય જુવાનજોધ દીકરાને ગત વર્ષે ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહમાં સીટી બસે કચડી નાખ્યો હતો, જેના કારણે દીકરાનું મોત થયું હતું. દીકરાના મોતનું દુઃખ હજુ જરા પણ પિતાના દિલમાંથી ઓછું નથી થયું.

ત્યારે તેમને ત્રણ મહિના પહેલા દિવ્ય ભાસ્કર મીડિયા સાથે વાત ચિતમાં જણાવ્યું હતું કે, “મારો દિકરો બ્રિજેશ ગત વર્ષે સોમા તળાવ પાસે તીર્થ બંગલો નજીક રોડ પર બમ્પ હતો છતાં સિટી બસવાળાએ મારા દીકરાના ટૂ-વ્હીલરને ટક્કર મારી દીધી અને આગળ જઇ ઊભો રહ્યો. જેથી લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને મારા દિકરાના ફોન પરથી મને ફોન કર્યો હતો કે, તમારા પુત્રને અકસ્માત થયો છે. અમે ત્યાં તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતાં. તો મારો દીકરો ત્યા રોડ પર ઘાયલ અવસ્થામાં પડ્યો હતો. જ્યાં ગલીના રસ્તામાં બમ્પ આવેલો છે ત્યાં જો સિટી બસ આવો અકસ્માત કરે તો એ બેદરકારી કહેવાય.”

પોતાના દીકરાને યાદ કરીને આંખોમાં આંસુઓ સાથે ધ્રુસકે ધ્રુસકે રડતા અરવિંદભાઇએ આગળ જણાવ્યું હતું કે, આખા દિવસમાં સિટી બસ દસ-દસ વખત ફેરા મારતી હોય ત્યારે સાંજે આવી રીતે છેલ્લી ટ્રીપોમાં બેફામ સ્પીડે બસ ચલાવે છે તે ખરેખર ના ચાલવી જોઇએ. મારા દિકરાના અકસ્માતના બે-ત્રણ દિવસ પહેલા પણ ન્યાયમંદિર પાસે સિટી બસ એક ભાઇને કચડી નાખી મોતને ઘાટ ઉતાર્યો હતો. સરકારે નિયમ કરવા જોઇએ કે શહેરી વિસ્તારમાં 30થી 40ની સ્પીડથી વધુ બસ ચલાવવી જ ન જોઇએ. સિટી બસના ચાલકો નાના વાહન ચાલકોને આગળ જવા માટે સાઇડ પણ નથી આપતા. જાણે આપણે વરઘોડાની માફક તેની પાછળ ચાલતા હોય તેમ વાહન ચલાવવું પડે છે.

પોતાના દીકરા વિશે જણાવતા પિતાએ કહ્યું કે, “મારા 29 વર્ષના દિકરાએ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ખૂબ મહેનત કરી હતી. ત્યાર બાદ આઠ વર્ષ સુધી મકરપુરા અને વાઘોડિયા GIDCમાં નોકરી કરી. ત્યાર બાદ અમદાવાદ નજીક સાણંદમાં કોકોકોલા કંપનીમાં નોકરી લાગ્યો હતો. એ દિવસે રજા હોવાથી મારો દીકરો બ્રિજેશ ઘરે આવ્યો હતો. તે દરમિયાન સિટી બસવાળાએ તેને કચડી નાખ્યો. બ્રિજેશની સગાઇ કરી હતી અને તેના લગ્ન લેવાના હતાં. પરંતુ કોરોનાની સ્થિતિને કારણે લગ્ન થોડા મહિના બાદ લઇશું તેમ નક્કી કર્યું હતું. પરંતું આ ઘટના બની ગઇ. અમે સિટી બસ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે તેમજ કોર્ટમાં દોવા વળતર માટે દાવો કર્યો છે.”

આ ઘટનાને લઈને પોતાનું દુઃખ વ્યક્ત કરતા અરવિંદભાઈએ કહ્યું કે, “જયારે બ્રિજેશને એન્જીનિયરિંગમાં અભ્યાસ માટે એડમિશન લેવાનું હતું, ત્યારે મેં એક મિત્ર પાસેથી રાત્રે ઉછીના પૈસા લઇને તેની ફી માટે વ્યવસ્થા કરી હતી. મારા પુત્રએ ખૂબ જ સંઘર્ષ કરીને અભ્યાસ કર્યો અને જ્યારે તેને સારી નોકરી મળી અને સુખના દિવસ આવ્યા ત્યારે જ સિટી બસ કાળ બની. અકસ્માતના દિવસે સાંજે મારો પુત્રએ તેની માતાને ફોન કરીને કહ્યું હતું કે હું થોડીવારમાં જ ઘરે આવું છું. પણ તે ક્યારેય પરત ન ફર્યો.”

(સૌજન્ય: દિવ્ય ભાસ્કર)

Niraj Patel