ખબર

સોજીત્રામાં 6 લોકોની એકસાથે નીકળી અંતિમયાત્રા, બે ગામ હીબકે ચડ્યાં, તસવીરો જોઇ તમારુ પણ હ્રદય કંપી ઉઠશે

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોની ઘટના સામે આવે છે. હાલમાં જ 2-3 દિવસ પહેલા સોજિત્રા પાસે ટ્રિપલ અકસ્માત થયો હતો અને આ અકસ્માતમાં છ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ગમખ્વાર ઘટનામાં મિસ્ત્રી પરિવારનાં માતા અને બે પુત્રી તેમજ બોરિયાવીના બે કાકા-બાપાના પુત્રો અને રિક્ષા-ડ્રાઈવર સહિત કુલ છ લોકોના મોત નીપજ્યાં હતાં. ત્યારે શુક્રવારના રોજ સવારે બધાની અંતિમયાત્રા નીકળી હતી. બે ગામોની અંદર મૃતકોના સ્વજનોનું ભારે આક્રંદ છવાયું હતું. જેના પગલે બંને ગામડામાં શોકની લહેર વ્યાપી ગઇ.

આ અકસ્માતમાં એવી વિગત સામે આવી કે આરોપી કેતન રમણભાઈ પઢિયાર કોંગ્રેસના ધાસાભ્યનો જમાઈ છે અને તે નશાની હાલતમાં હોવાનું મૃતકના સ્વજનોએ આક્ષેપ કર્યો હતો. અકસ્માત સ્થળેથી MLA ગુજરાત લખેલી પ્લેટ પણ મળી છે. ત્યારે જણાવી દઇએ કે, શુક્રવારના રોજ સવારે નીકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતાં અને આ દરમિયાન બે ગામ હીબકે ચઢ્યા હતા. બોરિયાવી ગામે બે ભાઈના અગ્નિદાહ સમયે ભારે આક્રંદ સર્જાયુ હતુ.

રક્ષાબંધનના તહેવાર નિમિત્તે એક પરિવાર ટીંબા ગામે ગયો હતો, જ્યાંથી તેઓ રિક્ષામાં પરત સોજિત્રા આવવા નીકળ્યાં ત્યારે તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ ઉપરાંત બોરિયાવીના બે કાકા-બાપાના દીકરા સામાજિક વ્યવહારનું કામ પતાવી પરત ફરતા હતા આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી કારે અકસ્માત સર્જયો હતો. જેમાં રિક્ષા અડફેટે ચડતા સવાર વિપુલભાઈનાં પત્ની વીણાબેન, બે પુત્રી જાનવી અને જિયા ઉપરાંત રિક્ષાચાલક યાસીન વ્હોરા અને બાઇકસવાર યોગેશકુમાર, સંદીપનાં મોત નીપજ્યાં હતાં.

સોજીત્રામાં વીણાબેન અને તેમની બે પુત્રીની શુક્રવાર સવારે એકસાથે અંતિમયાત્રા નીકળી, જેને કારણે આખા ગામમાં શોક છવાઇ ગયો હતો. બોરિયાવી ગામે પણ સવારે જ બંને ભાઈની અંતિમયાત્રા સાથે નીકળી હતી. પરિવારના જુવાનજોધ અને કમાઉ યુવકોના આકસ્મિક નિધનથી મિત્રો અને પરિવાજનો સહિત સમગ્ર નગર હીબકે ચઢ્યું હતું.

આ ત્રિપલ અકસ્માતમાં કારચાલકની બેદરકારી પણ સામે આવી છે. આ મામલે કારચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ધારાસભ્ય પુનમભાઈ અનુસાર, તેમના જમાઈ દીકરી અને ભાણેજોને તારાપુર મૂકીને પરત આણંદ આવી રહ્યા હતા ત્યારે રિક્ષા, એક્ટિવા અને કારની ટક્કર થઈ હતી. આ અકલ્પનિય અકસ્માત છે. તેની સામે જવાબદાર તમામ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.