વડોદરાના હરણી તળાવમાં ગઇકાલે ખૂબ જ મોટી દુર્ઘટના ઘટી. પિકનિક પર ગયેલ ન્યુ સનરાઇઝ સ્કૂલના બાળકોની બોટ ડૂબી જવાને કારણે 17ના મોત થયાં છે. આ બાળકો જે બોટમાં બેસ્યા હતા તેની કેપેસિટી 14-15 લોકોની બતી પણ તેમાં ક્ષમતા કરતા વધારે એટલે કે 30થી વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા અને આ ઉપરાંત તેમને લાઈફ જેકેટ પણ નહોતા પહેરાવવામાં આવ્યાં.
ત્યારે આ મામલે કાર્યવાહીમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 3 શખસોની અટકાયત કરવામાં આવી છે. પરંતુ જે આ દુર્ઘટનામાં મુખ્ય જવાબદાર છે તે એટલે કે કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું કહેવાઇ રહ્યુ છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મેનેજર શાંતિલાલ સોલંકીની અટકાયત કરવામાં આવી છે. તેમજ અંકિત નામના શખસની પણ પૂછપરછ માટે અટકાયત કરાઇ છે.
જણાવી દઇએ કે, બોટનો કોન્ટ્રાક્ટ પરેશ શાહે લીધો હતો અને નીલેશ નામના વ્યક્તિને આપ્યો હતો, વળી નીલેશે બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ ત્રીજા જ કોઈ વ્યક્તિને આપ્યો. આ બધા વચ્ચે એવી ચર્ચા છે કે, સેવ ઉસળની લારી ચલાવતો વ્યક્તિ બોટ ચલાવતો હતો. એટલે કે સેવ ઉસળની લારી ચલાવતા વ્યક્તિને આ જવાબદારી આપવામાં આવતા નફાખોરીની લ્હાયમાં કૃત્ય કર્યુ હોવાના સવાલો ઉઠી રહ્યા છે.