માવઠાના કારણે પાટણમાં ભરાયા પાણી, રોડ થયા પાણીમાં ગરકાવ, સ્કૂલમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવવા ટ્રેકટર બોલાવવું પડ્યું, જુઓ વીડિયો
ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે અને ઠેર ઠેર વરસાદ પણ વરસી રહ્યો છે. અચાનક આવેલા આ માવઠાના કારણે સામાન્ય જીવન પણ અસ્ત વ્યસ્ત બની ગયું છે. તો વરસાદના કારણે ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા છે. પાટણમાં પણ એવા જ હાલ હતા જ્યાં માવઠાના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.
પાટણમાં એટલો જોરદાર વરસાદ પડ્યો કે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. પાટણમાં ભારે વરસાદ અને પાણી ભરાવા સામે ઝઝૂમી રહેલા લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ભારે વરસાદને કારણે એક સ્કૂલમાં પાણી ભરાઈ જતા સ્કુલમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવવા માટે સ્થાનિક પ્રશાસને ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો હતો. પ્રશાસનના લોકો ટ્રેક્ટર લઈને શાળાએ પહોંચ્યા જ્યાં ભારે વરસાદને કારણે બાળકો અટવાઈ ગયા હતા.
દરમિયાન, હવામાન વિભાગે શનિવારે કહ્યું કે આગામી કેટલાક દિવસો સુધી દેશના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેઘાલય અને આસામમાં રવિવારે ભારે વરસાદ પડી શકે છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં હવામાનશાસ્ત્રી સોમા સેન રોયે કહ્યું “આગામી 24 કલાકમાં દેશના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
#WATCH | Gujarat: Heavy rainfall causes waterlogging in parts of Patan. Local administration uses a tractor to rescue students of a school stranded amid the heavy downpour and waterlogging. pic.twitter.com/t9oxSGv2R0
— ANI (@ANI) March 18, 2023
સંબંધિત અધિકારીઓને કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગે ગાજવીજ સાથે કરા પડવાની ચેતવણી પણ જારી કરી છે. લોકોને સતર્ક રહેવા પણ કહેવામાં આવ્યું છે. IMDએ શનિવારે ખેડૂતોને ઘઉં અને અન્ય રવિ પાકની લણણી થોડા દિવસો માટે મુલતવી રાખવાની સલાહ આપી હતી. જો કે, કેટલાક રાજ્યોમાં, સરસવ અને ચણા જેવા પાકની શક્ય તેટલી વહેલી તકે લણણી કરવાની અને પાકને સુરક્ષિત સ્થળોએ સંગ્રહિત કરવાની પણ સલાહ આપવામાં આવી છે.