ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાએ ફરી દિલ જીત્યા, કર્મચારીઓના નિધન ઉપર મળશે 58 વર્ષ સુધી પગાર, જુઓ બીજી શું સુવિધા આપશે ?

પોતાની કંપનીના કર્મચારીઓને ભેટમાં મોંઘીદાટ કાર આપતા સવજીભાઈ ધોળકિયાનું વધુ એક સરાહનીય કામ, કર્મચારીના નિધન ઉપર મોટી ભેટ અને ગામમાં મકાન બાંધવા માટે આપશે આટલા લાખ 🙏🙏

ગુજરાતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયા તેમની કંપનીના કર્મચારીઓને મોંઘીદાટ ભેટ આપવાને લઈને જાણીતા છે. હરેકૃષ્ણ ગ્રુપના ચેરમેન પદે રહેલા સવજીભાઈ ધોળકિયા ઘણીવાર એવા એવા કામ કરે છે જેના દ્વારા તેઓ જનતાના પણ દિલ જીતી લેતા હોય છે, ત્યારે હાલમાં જ તેમને જે જાહેરાત કરી છે તેને લઈને તે ચર્ચામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર મીડિયાના રિપોર્ટ અનુસાર હરેકૃષ્ણ ડાયમંડ કંપની દ્વારા શરૂ કરવામાં આવેલી એક નવી યોજના હેઠળ જો નોકરી દરમિયાન કર્મચારીનું નિધન થાય તો કંપની દ્વારા કર્મચારીઓની 58 વર્ષની નિવૃત્તિની સમય મર્યાદા સુધી તેમને દર મહિને પગાર આપવામાં આવશે. જેની પાછળનું કારણ એ છે કે પરિવારને પોતાના સભ્ય ગુમાવવાનું દુઃખ હોય પરંતુ પરિવાર આર્થિક રીતે નબળો ના બને.

આ યોજના વર્ષ 2022 દરમિયાન શરૂ કરવામાં આવી છે જેમાં અત્યાર સુધી 2 કર્મચારીના પરિવારનું નિધન થતા તેમને આ લાભ આપવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે.  આ ઉપરાંત કંપનીમાં કામ કરતા કર્મચારીઓને વતનમાં મકાન બાંધવા 5 વર્ષ માટે વિના વ્યાજે 5 લાખની લોન પણ આપવાનું જણાવ્યું છે.

કોરોનાકાળમાં સુરતના મોટાભાગના પરિવારો પોતાના વતનમાં જતા રહ્યાં હતા તેમાંથી કેટલાક લોકોને પોતાના ઘર નહીં હોવાથી બીજાને ત્યાં સગા સંબંધીઓને ત્યાં રહેવું પડ્યું હતું.મકાન લોન માટે આને પણ ધ્યાને લેવાયું હતું. હરેકૃષ્ણ ડાયમંડ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી કર્મચારીઓ અને તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે.

આ ઉપરાંત કંપનીમાં કાયમ કરતા દરેક કર્મચારીને હેલ્મેટ પહેરવું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે, હેલ્મેટ વગર કંપનીના કમ્પાઉન્ડમાં કર્મચારીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. આ ઉપરાંત કર્મચારીઓને કંપનીમાં કોઈપણ જાતનું વ્યસન ના કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે અને જે વ્યસન છોડી ન શકે તેણે કંપની છોડી દેવી’ સૂત્ર અપાયું છે.
(સૌજન્ય: દિવ્ય ભાસ્કર)

Niraj Patel