દિલ્હીથી મેરઠ વચ્ચેનો પ્રવાસ હવે માત્ર મુસાફરી નહીં પરંતુ પૈસા બચાવવાની એક અનોખી રમત પણ બની ગયો છે, કારણ કે સામાન્ય રીતે કાર ચાલકોએ આ એક્સપ્રેસવે પર અંદાજે 175 રૂપિયા સુધીનો ટોલ ભરવો પડતો હોય છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં શિવા નામનો શખ્સ દાવો કરી રહ્યો છે કે તે આ જ લાંબા સફર માટે ખૂબ જ ઓછા પૈસા ખર્ચે છે અને દરેક ટ્રીપ પર 145 રૂપિયા સુધીની બચત કરી લે છે. તેના જણાવ્યા મુજબ, તેને આ બચત કરવા માટે કોઈ મોટી મશક્કત નથી કરવી પડતી, પરંતુ રસ્તામાં ખાસ જગ્યાએથી એક્સપ્રેસવેની બહાર નીકળીને થોડું અંતર કાપીને ફરી હાઇવે પર ચઢવાનું રહે છે. આ અનોખા જુગાડ અને દાવા બાદ સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું આ રીત ખરેખર યોગ્ય છે કે પછી તેનાથી ટ્રાફિક સિસ્ટમમાં ગરબડ થાય છે.

શું છે ટોલ બચાવવાની આ ખાસ રીત?
વાયરલ વીડિયોમાં શિવા નામનો યુવક પોતાની કારથી દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર મુસાફરી કરતી વખતે આખી ટેકનિક સમજાવે છે. તેના કહેવા પ્રમાણે, દાસના આસપાસના વિસ્તારમાં એક્સપ્રેસવેથી થોડીવાર માટે બહાર નીકળીને અને ફરીથી નૈનીતાલ તરફ જવાના રસ્તેથી હાઇવે પર ચઢવાથી ટોલ સિસ્ટમની એન્ટ્રી અને એક્ઝિટનું ગણિત બદલાઈ જાય છે. સેન્સર નવી એન્ટ્રીને રેકોર્ડ કરી લે છે, જેના કારણે સિસ્ટમમાં ટોલનું આખો હિસાબ જ અલગ થઈ જાય છે.

ફાસ્ટેગ બેલેન્સમાં થયો મોટો ઘટાડો
પોતાના દાવાને સાબિત કરવા માટે શિવા વીડિયોમાં પોતાનું ફાસ્ટેગ (FASTag) એકાઉન્ટ પણ લાઈવ બતાવે છે. તે જણાવે છે કે મુસાફરી શરૂ કરતા પહેલા તેના ખાતામાં 266 રૂપિયા હતા, પરંતુ આ રુટ બદલવાની ટ્રીક અપનાવ્યા બાદ ટોલ કપાતાં બેલેન્સ ઘટીને માત્ર 166 રૂપિયા જ થઈ ગયું. એટલે કે આ સમગ્ર સફરમાં તેના ફાસ્ટેગમાંથી માત્ર 100 રૂપિયા જ કપાયા, જ્યારે સામાન્ય રીતે લોકોએ તેનાથી ઘણો વધારે ટોલ ટેક્સ ચૂકવવો પડતો હોય છે.

આવાવાળા પ્રવાસમાં પણ થઈ બચતનો દાવો
માત્ર એક તરફના સફરની જ નહીં, પરંતુ વાપસીના પ્રવાસનો ઉલ્લેખ કરતા શિવાએ જણાવ્યું કે પરત ફરતી વખતે પણ તેના ખાતામાંથી માત્ર 20 રૂપિયા જ કપાતા હોય છે. આ રીતે તે દાવો કરે છે કે આવવા-જવાના સમગ્ર સફરમાં તેને બાકીના સામાન્ય મુસાફરોની સરખામણીમાં ખૂબ જ ઓછો ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. વીડિયોના અંતમાં તે પોતાનું 126 રૂપિયા બચેલું ફાસ્ટેગ બેલેન્સ પણ દર્શાવે છે.
સોશિયલ મીડિયા પર શરૂ થઈ નવી ચર્ચા
આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ વચ્ચે ભારે ચર્ચા છેડા9 છે. કેટલાક લોકો આ યુવકના દિમાગની પ્રશંસા કરીને તેને પૈસા બચાવવાનો શાનદાર તરીકો ગણાવી રહ્યા છે, તો વળી કેટલાક લોકોનું માનવું છે કે આ પ્રકારના જુગાડ લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી. અનેક યુઝર્સે તો એવો પણ ડર વ્યક્ત કર્યો છે કે જો નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI)ની નજર આ વાયરલ વીડિયો પર પડી ગઈ, તો આ રસ્તા પર કોઈ કડક વ્યવસ્થા કે નવો નિયમ બનાવી દેવામાં આવશે.