સુરતમાં પઠાણી ઉઘરાણીથી કંટાળી બેંક કર્મચારીએ કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

સુરતમાં બેન્ક કર્મીનો ઝેરી દવા પીને આપઘાત, સુસાઇડ નોટમાં માથાભારે ગેંગના નામ ખૂલ્યાં

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતની ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં સુરતના સરથાણામાંથી બેંકકર્મીના આપઘાતનો મામલો સામે આવ્યો હતો, જેમાં નવો ખુલાસો થયો છે. આપઘાત કરનારની સુસાઇડ નોટ સામે આવી છે, જેમાં કુખ્યાત ગેંગના માણસોનો ઉલ્લેખ કરાયો છે. સુસાઇડ નોટમાં રોનક પરી, રજની ગોયાણી, જીગો કુંડલા ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતકનું નામ અતુલ ભાલાળા છે, જેની સાથે છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી રહી છે.

3 શખસની પઠાણી ઉઘરાણીથી યુવકનો આપઘાત

પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર 30 વર્ષીય અતુલ ભાલાળાએ પોતાના જ ઘરે ઝેરી દવા પી લીધી હતી અને આપઘાત કર્યો હતો. ઘઉંમાં નાખવાની સેલફોસ દવાની ત્રણ ગોળી ખાઇ ગયો હતો. અતુલ પાસનો કાર્યકર હતો, અને તેના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા. તે ખાનગી બેંકમાં એકાઉન્ટ ઓપન કરવાના કામ સાથે સંકળાયેલો હતો.

સુસાઇડ નોટમાં માથાભારેના નામ ખૂલ્યાં

મૃતક અતુલ ભાલાળાના ભાઈએ જણાવ્યું કે, સરથાણાના માથાભારે રોનક પરી, રજની ગોયાણી, જીગો કુંડલા અતુલને ત્રાસ આપતા અને ધમકી આપતા કે તે દવા ભલે પીધી પણ જીવતો રહી જઈશ તો ફરી દવા પીવડાવી મારી નાખશું. અતુલ જ્યારે હોસ્પિટલમાં હતો ત્યારે પણ ધમકીના ફોન આવતા હતા. મૃતકે સુસાઇડ નોટમાં જણાવ્યુ હતુ કે રોજ સવારે ઘરે માણસો મોકલે, મારી ગેમ કરી છે, આ લોકોને સજા થવી જોઈએ.

આગળ એવું પણ લખવામાં આવ્યુ છે કે મારી આત્માને શાંતિ મળે એટલે આ લોકોને સજા થવી જોઈએ, પ્લિઝ રીક્વેસ્ટ. રાજુ બાલધાનો કોઈ વાંક નથી, એટલે એને કોઈએ કંઈ કેવું નહિ, એને મને બઉ બચાવ્યો છે. રોનક પરી, રજન ગોયાણી, જીગો જયાણી આ ત્રણ સિવાય કોઈનો કંઈ વાંક નથી, આ લોકોને સજા થવી જોઈએ. આ સાથે છેલ્લે અતુલ ભાલાળાએ લખ્યુ- સોરી ફેમીલી એન્ડ ફ્રેન્ડ, આઈ લવ યુ.

Shah Jina