21 વર્ષ બાદ ભારતને મળ્યો મિસિસ વર્લ્ડનો તાજ, દેશની આ દીકરીએ જીત્યો ખિતાબ, પતિ નેવીમાં અને પોતે રહી છે સ્કૂલ ટીચર
ભારતનું પ્રતિનિધિત્વ કરનારી સરગમ કૌશલે લાસ વેગાસમાં આયોજિત સમારોહમાં મિસિસ વર્લ્ડનો તાજ જીત્યો છે અને 21 વર્ષ પછી તેણે ભારતને આ ખિતાબ અપાવ્યો છે. તેણે 63 દેશોના સ્પર્ધકોને પાછળ છોડી દીધા અને મિસિસ વર્લ્ડનો તાજ પોતાના અને દેશના નામે કર્યો. મિસિસ ઈન્ડિયા પેજન્ટનું સંચાલન કરતી સંસ્થાએ ઈન્સ્ટાગ્રામ પર સમાચાર શેર કરતાં લખ્યું, “લાંબા પ્રતીક્ષાનો અંત આવ્યો. તાજ 21 વર્ષ પછી અમારી પાસે પાછો આવ્યો!”
જમ્મુ અને કાશ્મીરની રહેવાસી સરગમ કૌશલે પણ એક વિડીયો શેર કર્યો અને જણાવ્યું કે ટાઇટલ જીત્યા બાદ તે કેટલી ખુશ છે. આપણને 21-22 વર્ષ પછી તાજ મળ્યો છે. હું ખૂબ જ ઉત્સાહિત છું. લવ યુ ઈન્ડિયા, લવ યુ વર્લ્ડ. મિસિસ વર્લ્ડની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અનુસાર, તે અંગ્રેજી સાહિત્યમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે. તેણે અગાઉ વિઝાગમાં શિક્ષિકા તરીકે કામ કર્યું હતું અને એ પણ શેર કર્યું હતું કે તેના પતિ ભારતીય નૌકાદળ માટે કામ કરે છે.
સરગમે 2018માં નેવી ઓફિસર સાથે લગ્ન કર્યા હતા. સરગમે તેની સફળતાનો શ્રેય તેના પિતા અને પતિને આપ્યો છે. જણાવી દઈએ કે સરગમ પહેલા ડો. અદિતિ ગોવિત્રીકરે 2001માં આ ખિતાબ જીત્યો હતો. અદિતિ આ તાજ જીતનારી પ્રથમ ભારતીય મહિલા હતી. અદિતિ એક અભિનેત્રી પણ છે, તેણે મોકલા ફ્રાય, દે દના દન, સ્માઈલ પ્લીઝ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
એવોર્ડ માટેની જ્યુરી પેનલમાં અભિનેત્રી સોહા અલી ખાન, વિવેક ઓબેરોય અને મોહમ્મદ અઝહરુદ્દીન હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે મિસિસ વર્લ્ડ વિશ્વની પહેલી આવી સૌંદર્ય સ્પર્ધા છે, જે પરિણીત મહિલાઓ માટે બનાવવામાં આવી છે. તેની શરૂઆત 1984માં થઈ હતી. પહેલા તેનું નામ મિસિસ અમેરિકા હતું જે બાદમાં બદલીને મિસિસ વુમન ઓફ ધ વર્લ્ડ કરવામાં આવ્યું હતું. વર્ષ 1988માં તેનું નામ મિસિસ વર્લ્ડ રાખવામાં આવ્યું હતું.
અદિતિ ગોવિત્રીકરે પણ સરગમ કૌશલને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. તેણે લખ્યું: “સરગમને હાર્દિક અભિનંદન. તમારી યાત્રાનો ભાગ બનીને આનંદ થયો. તાજ 21 વર્ષ પછી પાછો આવ્યો. આ ઈવેન્ટ અમેરિકાના લાસ વેગાસમાં યોજાઈ હતી. આ સ્પર્ધામાં વિશ્વના 63 દેશોની મહિલાઓએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, આ ખિતાબ મેળવતી વખતે સરગમ કૌશલની આંખોમાં આંસુ આવી ગયા.
આ દરમિયાન તેણે બ્લશ પિંક લોંગ ગાઉન પહેર્યું હતું. સરગમ કૌશલ લગ્ન પછી મુંબઈ આવી અને મોડલિંગ કરવા લાગી અને ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો. તેણે મિસિસ ઈન્ડિયા 2022માં પણ ભાગ લીધો હતો અને તેણે આ ટાઈટલ પણ જીત્યું. જે બાદ તેણે મિસિસ વર્લ્ડ 2022માં મિસિસ ઈન્ડિયા તરીકે ભાગ લીધો અને આ ખિતાબ જીતીને ઈતિહાસ રચી દીધો.
View this post on Instagram