સાપુતારામાં શાળાઓ શરુ થવાના પહેલા જ દિવસે વિધાર્થીના આપઘાતથી મચી ગયો હડકંપ, જાણો સમગ્ર મામલો

રાજ્યભરમાં આજથી શાળાઓ શરૂ થવાની જાહેરાત થઇ ગઈ છે. ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ થતાં શિક્ષણ વિભાગ રાજ્યના દરેક જિલ્લામાં એક્ટિવ થયો છે અને વિદ્યાર્થીઓએ શાળા પ્રવેશ કરવા માટે તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે હાલ એક ચોંકાવનારી ખબર ડાંગમાંથી સામે આવી રહી છે, જ્યાં એક વિધાર્થીએ આપઘાત કરી લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર  ડાંગના આહવા તાલુકાના સાપુતારા તળેટી વિસ્તારમાં આવેલા સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરમાં સાયન્સ ધો 11માં અભ્યાસ કરતા  વિધાર્થીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાની ખબરે ખળભળાટ મચાવી દીધો છે. ખબર મળતા જ સાપુતારા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. વિધાર્થીએ ક્યાં કારણો સર આપઘાત કરવા જેવું મોટું પગલું ભર્યું તે હજુ સુધી સામે નથી આવ્યું.

આ મામલામાં સાપુતારા પોલીસ દ્વારા સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરના સંચાલકોના નિવેદન લઇને વધુ તપાસ કરવામાં આવી રહી છે. શાળાના જણાવ્યા પ્રમાણે, આપઘાતની ઘટના સવારે આઠ વાગ્યે બની હતી. આ મૃતક વિદ્યાર્થી ગુંદવહળ ગામનો રહેવાસી છે. તે સવારે પોતાના ઘરેથી શાળામાં આવ્યો હતો. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.

ઉલ્લેખનીય છે કે આજથી શાળાઓ શરૂ થઇ ચુકી છે, ત્યારે શાળાઓ શરૂ થયાના પહેલા જ દિવસે શાળા સંકુલમાં જ વિધાર્થીના આપઘાતના કારણે સમગ્ર પંથકમાં પણ ચકચારી મચી જવા પામી છે. પોલીસ હવે આ મામલામાં વિધાર્થીના પરિવાર અને મિત્રોની પણ પુછપરછ હાથ ધરી શકે છે.

Niraj Patel