3 સાધુઓએ રૂપિયા વેરીને પરિવારને ફસાવ્યો અંધશ્રદ્ધામાં, વિધિના નામ પર ખંખેરી લીધા લાખો રૂપિયા… નોંધાવી ફરિયાદ
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લૂંટ અને ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ઘણી ઘટનાઓમાં અંધશ્રદ્ધાનો આશરો લઈને પણ ઘણા લોકોને લૂંટવામાં આવે છે અને આવા ચક્કરમાં ફસાઈને ઘણા લોકો હજારો-લાખો રૂપિયા ખોઈ પણ બેસતા હોય છે. ત્યારે હાલ આવી જ એક ઘટના જૂનાગઢમાંથી સામે આવી છે જ્યાં પરિવાર અંધશ્રદ્ધાનો ભોગ બનીને ફસાયો.
આ ઘટના સમયે આવી છે જૂનાગઢના માણાવદર તાલુકાના સાણોદરા ગામમાંથી. જ્યાં 33 વર્ષીય ભરતભાઈ વાડોલિયા પોતાના પરિવાર સાથે રહે છે અને ખેતીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આજથી લગભગ 8 મહિના પહેલા ભરતભાઇના પિતા વાડીએ કામ કરી રહ્યા હતા ત્યારે જ એક સાધુએ આવીને તેમને ગાંઠિયા ખાવાની ઈચ્છા વ્યક્ત કરી.
ત્યારે ભરતભાઈની માતા મંજુબેને તેમને પૈસા આપ્યા પરંતુ સાધુએ આ પૈસા લીધા નહિ અને જમવાની ઈચ્છા વ્યક્ત કરતા તેમને ઘરમાં જમવાનું બનાવીને જમાડવામાં આવ્યા. જમ્યા બાદ સાધીએ મંજુબેનને ત્રણ પારા આપ્યા અને તેને સાચવી રાખવાનું કહ્યું. આ ઉપરાંત તેમના ગુરુનો ફોન પણ આવશે એવું પણ તેમને જણાવ્યું હતું.
એજ રાત્રે એક સાધુએ તેમને ફોન કરીને રિદ્ધિ સિદ્ધિ મળવાની છે એમ કહીને ગોંડલના ભોજપરા પાટિયા પાસે મળવા માટે બોલાવ્યા હતા. જેના બાદ ભરતભાઈ તેમની માતા અને પિતા સાથે પહોંચ્યા હતા. જ્યાં તેમને એક સાધુ મળ્યો અને પુલ નીચે લઇ ગયો અને ત્યાં પહેલાથી જ બીજા બે સાધુઓ પણ હતા. તેમને કોઈ વિધિનું નાટક કરીને ત્યાં રૂપિયાનો ઢગલો કરી નાખ્યું. જે જોઈને ભરતભાઈ અને તેમના પરિવારની આંખો ચાર થઇ ગઈ અને તેમને વિશ્વાસ પણ આવી ગયો.
આ બધા જ રૂપિયાને સાધુઓએ સ્ટીલની નળીમાં ભરી દીધા અને તેમને આપીને ઘરે લઇ જવા માટે કહ્યું હતું અને આ નળી ઘરે જઈને જ ખોલવાની કહી હતી. તેઓ જયારે ઘરે પહોંચ્યા ત્યારે તેમને ફોન આવ્યો કે આ નળી તમારું ભવિષ્ય ઉજળું બનાવશે અને તેમાંથી રૂપિયા કાઢવા માટે તમારે ધૂપ લેવો પડશે. જેના માટે 12 લાખ જેટલો ખર્ચ થશે. ત્યારે આટલા પૈસા ના હોવાના કારણે ભરતભાઈ બે ટુકડામાં એકવાર 3 લાખ અને બીજી વાર 3.30 લાખ રૂપિયા આપ્યા હતા.
ત્યારે સાધુએ ભરતભાઈને કપડાના બે દડા આપ્યા હતા અને તેમાં ધૂપ છે અને ઘરે જઇને રાખી દેજો એમ કહ્યું અને સાંજે તે લોકો ઘરે આવીને વિધિ કરશે તેમ જણાવ્યું. પરંતુ મોડા સુધી સાધુઓ આવ્યા નહિ અને તેમનો પણ પણ બંધ આવવાના કારણે તેમને શંકા જતા તેમને નળી ખોલી ત્યારે તેની અંદરથી શણના કોથળા નીકળતા તેમની સાથે છેતરપીંડી થયાનું ભાન થયું હતું. જેના બાદ તેમને માણાવદર પોલીસમાં ત્રણેય અજાણ્યા સાધુઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.