યુદ્ધના ત્રીજા દિવસે યુક્રેનમાંથી આવ્યો ભયાનક નજારો સામે, રશિયન દ્વારા છોડવામાં આવેલી મિસાઈલ સીધી જ રહેણાંક વિસ્તારમાં પડી, જુઓ લાઈવ વીડિયો

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે અને રશિયાનું સૈન્ય યુક્રેનમાં ઝડપથી આગળ વધી રહ્યું છે, આ દરમિયાન યુક્રેનમાંથી તબાહીના ઘણા બધા દૃશ્યો પણ સામે આવી રહ્યા છે. જેને જોઈને ભારત સમેત આખી દુનિયા ચિંતાતુર બની છે. દરેક મિનિટે એક નવો વીડિયો સામે આવે છે અને લોકોના શ્વાસ અઘ્ધર થઇ જાય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ દિલધડક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં રશિયન મિસાઈલ યુક્રેનના રહેણાંક વિસ્તારને નિશાન બનાવતી જોવા મળે છે. આ વીડિયોએ લોકોના હૃદયમાં પણ ભયનો માહોલ ફેલાવી દીધો છે. ગત શુક્રવારના રોજ પણ રાજધાની કીવમાં વિસ્ફોટો થયા હતા, ત્યારે હજારો યુક્રેનવાસીઓ સબવે અને અન્ડરગ્રાઉન્ડ શેલ્ટરોમાં રાત વિતાવવા મજબુર થયા હતા.

રશિયન દ્વારા છોડવામાં આવેલી એક મિસાઈલ કીવમાં આવેલા એક રહેણાંક બિલ્ડિંગમાં પડી હતી, જે ઘટનાને લઈને યુક્રેનના એક મિનિસ્ટરે ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, “કિવ, આપણું ભવ્ય, શાંતિપૂર્ણ શહેર, રશિયન ભૂમિ દળો, મિસાઇલોના હુમલાઓ હેઠળ બીજી રાત બચી ગયું. તેમાંથી એક કિવમાં રહેણાંક એપાર્ટમેન્ટ સાથે અથડાઈ છે. હું વિશ્વને માંગ કરું છું: રશિયાને સંપૂર્ણપણે અલગ કરો, રાજદૂતોને હાંકી કાઢો, તેલ પ્રતિબંધ, તેની અર્થવ્યવસ્થાને બગાડો. રશિયન યુદ્ધ ગુનેગારોને રોકો!”

યુક્રેનની સેના પણ રશિયન સેનાનો મજબૂતીથી સામનો કરી રહી છે. રશિયન હુમલાઓ અને રાજધાની કિવની ઘેરાબંધી પછી પણ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી દેશમાં જ છે. તેમણે એક વીડિયો દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. આ વીડિયો શુક્રવારની રાત્રે ઝેલેન્સકીએ પોતે જાહેર કર્યો છે. વીડિયોમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું, “અમે અહીં છીએ. અમે કિવમાં છીએ. અમે યુક્રેનની સુરક્ષા કરી રહ્યા છીએ.”

અગાઉ અન્ય એક વીડિયોમાં તેમણે કહ્યું, “હું યુક્રેનમાં છું. મારો પરિવાર યુક્રેનમાં છે. મારા બાળકો યુક્રેનમાં છે. તેઓ દેશદ્રોહી નથી તેઓ યુક્રેનના નાગરિક છે.અમને એવી માહિતી મળી છે કે હું દુશ્મન (રશિયા)ના પહેલા નિશાના પર છું અને મારો પરિવાર બીજા નિશાના પર છે. તે યુક્રેનને રશિયન હુમલાથી બચાવવા માટે સતત સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

Niraj Patel