ગુજરાતમાં હજી પણ બિપરજોયની અસર યથાવત છે, ત્યારે સુરતના શાહપુરથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા. એક મકાનની છતનો ભાગ ધરાશાઈ થવાને કારણે એક યુવકને ગંભીર ઇજા પહોંચી હતી.જોકે, તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પણ તેનું ટૂંકી સારવાર બાદ મોત થયું.
પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરત શાહપોર વિસ્તારમાં ભારે પવનને કારણે જર્જરિત મકાનની છતનો ભાગ ધરાશાઇ હતો અને આ દરમિયાન રસ્તા પરથી પસાર થતાં એક યુવક પર તે પડતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.જો કે, તાત્કાલિક ઇજાગ્રસ્ત કૃણાલ દશેરવાળાને સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
પણ ટૂંકી સારવાર બાદ કૃણાલનું મોત નિપજ્યું હતું. જણાવી દઇએ કે, ગઇકાલથી જ રાજ્યમાં વાતાવરણમાં પલટો દેખાઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજી પણ પવનની ગતિ જોવા મળી રહી છે. ભારે પવનના કારણે શહેરમાં ઠેર ઠેર આવા બનાવો બની રહ્યા છે. વાવાઝોડાનું જોર હજુ પણ જોવા મળી રહ્યું છે.