ક્રિકેટર ઋષભ પંતના રોડ અકસ્માતના CCTV ફૂટેજ પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે તે હાઈ સ્પીડમાં રોડ પરના ડિવાઈડર સાથે અથડાયો હતો અને ઓવરસ્પીડિંગને કારણે તેનો જીવ જોખમમાં મૂકાયો. જો કે હાલ તો ઋષભ પંત ખતરાની બહાર છે, પરંતુ શું આ તે જ કાર અકસ્માત છે જેમાં જાણીતા ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીએ જીવ ગુમાવ્યો હતો ? તો જણાવી દઇએ કે, આજે એટલે કે શુક્રવારે સવારે ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર ઋષભ પંતનો જે કારમાં અકસ્માતમાં થયો તે જ કારમાં ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનો પણ થયો હતો તેમાં તેમનું મોત થયુ હતુ.
બંને અકસ્માતમાં મર્સિડિઝ બેન્ઝ જીએલસી એસયુવી સામેલ છે અને બંને એક્સિડેન્ટ કારની ભારે સ્પીડના કારણે ડિવાઈડર પર અથડાવાના લીધે થયા છે. ઋષભ પંતને ઝોકુ આવી જતા અકસ્માત થયો હતો, જ્યારે સાયરસ મિસ્ત્રીના અકસ્માતમાં હાઇ સ્પીડ અને વળાંક પર ગાડી કંટ્રોલ ન કરવાનું કારણ હતુ. ઋષભ પંત અને સાયરસ મિસ્ત્રીના માર્ગ અકસ્માત વચ્ચે સમાનતાનો સંબંધ છે, પ્રથમ સમાનતા એ છે કે બંનેની કાર મર્સિડીઝ વધુ સલામત કાર માનવામાં આવે છે. ઋઃષભ પંત મર્સિડીઝ બેન્ઝ GLC SUVમાં સવાર હતો,
જ્યારે સાયરસ મિસ્ત્રી મર્સિડીઝ બેન્ઝ GLC 220 D 4MATIC માં સવાર હતા. બંને અકસ્માતમાં કારના ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે. અકસ્માત પાછળના કારણમાં રોંગ સાઈડથી ઓવરટેક, પાછળ બેઠેલા મુસાફરોના સીટ બેલ્ટ ન પહેરવો અથવા તો ડ્રાઇવરનો પણ સીટ બેલ્ટ ન પહેરવો જેવી બાબતો છે. સાયરસ મિસ્ત્રીના નિધન બાદ ઘણાએ મર્સિડિઝ કંપનીની કાર પર સવાલ ઉઠાવ્યો પણ કંપનીએ આ વાતને નકારી કાઢી. કંપનીએ તપાસ કરી જણાવ્યુ હતુ કે જે સમયે સાયરસ મિસ્ત્રીની કારનો એક્સીડન્ટ થયો હતો
ત્યારે તેની સ્પીડ 100 કિમી આસપાસ હતી અને ડિવાઇડર સાથે અથડાતા પહેલા ફક્ત 5 સેકન્ડ પહેલા બ્રેક મારવાનું શરું કર્યું હતું. જે બાદ ગાડીની સ્પીડ 80 પર આવી ગઈ હતી અને તે સમયે તે અથડાઈ હતી. આ સ્થિતિમાં કોઈપણ કારમાં અંદર બેઠેલા વ્યક્તિ ક્યારેય સુરક્ષિત રહી શકે નહીં. આ રિપોર્ટ બાદ મર્સિડિઝ બેન્ઝને ઓટો એક્સપર્ટે ક્લીન ચીટ આપી હતી. હવે ઋષભ પંતના અકસ્માતની વાત કરવામાં આવે તો હાલ એ સ્પષ્ટ નથી કે તેમની સ્પીડ કેટલી હતી. જોકે સીસીટીવી જોતા એ સ્પષ્ટ છે કે પંતની કારની ઝડપ વધુ હતી અને તેના જ કારણે કારને ઘણુ નુકસાન થયું અને પંતને પણ ગંભીર ઈજા થઈ.
આવા અકસ્માતોનું સૌથી મોટું કારણ કારના પાવરને માનવામાં આવે છે. મર્સિડીઝ બેન્ઝ જીએલસી પણ ખૂબ જ પાવરફુલ કાર છે અને વધુ ટોર્કને કારણે તે ઝડપથી વેગ પકડી શકે છે. બીજુ જોઇએ તો, કેબિન સાયલ્ટ છે અને આ કારોનું ડેમ્પિંગ એ રીતે કરવામાં આવે છે કે એન્જિનનો અવાજ બહુ ઓછો અથવા કોઈપણ પ્રકારનો બાહ્ય અવાજ ખૂબ જ ઓછો કારમાં પ્રવેશે. જેને કારણે સ્પીડનો યોગ્ય અંદાજ લગાવવો પણ મુશ્કેલ બની જાય છે. આ સાથે ઝોકુ આવવા જેવી સમસ્યાઓ પણ થાય છે.ભારતમાં રસ્તાઓ માટે અલગ-અલગ સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે.
NHAI અનુસાર, નેશનલ હાઈવે પર વાહનોની મહત્તમ સ્પીડ લિમિટ 100 કિમી પ્રતિ કલાક છે, જોકે જ્યારે હાઈવે વસ્તીવાળા વિસ્તારમાંથી અથવા સાંકડા પટમાંથી પસાર થાય છે ત્યારે આ ઝડપ મર્યાદામાં ઘટાડો થાય છે. જ્યાં દિલ્હી-દેહરાદૂન હાઈવે પર ઋષભ પંતની કારનો અકસ્માત થયો હતો ત્યાં સ્પીડ લિમિટ 50 કિમીથી 80 કિમી પ્રતિ કલાક હોવાનું બહાર આવ્યું છે. આ સિવાય ભારતમાં એક્સપ્રેસ વે પર સત્તાવાર મહત્તમ સ્પીડ લિમિટ 120 કિમી રાખવામાં આવી છે. પરંતુ વ્યવહારીક રીતે તે હજુ પણ મોટાભાગના એક્સપ્રેસવે પર 100 કિમી પ્રતિ કલાક છે. શહેરોના આંતરિક રસ્તાઓ પર ઝડપ મર્યાદા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નક્કી કરવામાં આવે છે. તે મહત્તમ 40 કિમી પ્રતિ કલાકથી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે હોઈ શકે છે.