પાટીદાર આંદોલનની નેતા રેશમા પટેલે કરી સગાઇ, નવા વર્ષ પર સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો

પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલી રેશમા પટેલ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. રેશમા પટેલે ગોંડલના નિવાસી ચિંતન સોજીત્રાને પોતાનો જીવનસાથી બનાવવાનો નિર્ણય કર્યો છે. રેશમાએ રિંગ સેરેમનીની તસવીરો પોસ્ટ કરતા લખ્યુ કે, હું મારી સરનેમ બદલવા જઇ રહી છું. મારુ નામ રેશમા પટેલ સોજીત્રા હશે, હું મારા જીવનમાં જેટલા લોકોને મળી તેમાંથી ચિંતન સોજીત્રા સૌથી સરસ છે. રેશમાએ પોતાની સગાઇની જાણકારી નવા વર્ષ પર આપી. જો કે, રેશમા લગ્ન ક્યારે કરશે તેનો ખુલાસો નથી કર્યો,

પરંતુ ગોંડલથી ચૂંટણી લડવાની ચર્ચાઓ વચ્ચે તેણે ત્યાંના નિવાસી ચિંતન સોજીત્રા સાથે સગાઇનો ખુલાસો કર્યો છે. તસવીરોમાં રેશ્મા ચિંતન સાથે એકદમ ખુશ દેખાઇ રહી છે. અત્યાર સુધી રેશ્મા પટેલ સિંગલ મધર તરીકે બે બાળકોની સંભાળ રાખતી હતી. રેશ્માને એક પુત્ર અને એક પુત્રી છે. પાટીદાર સમાજમાંથી આવતી રેશ્મા કડવા પટેલ છે. તે જૂનાગઢમાં રહે છે, રેશ્માએ આંદોલન પહેલા અમદાવાદ અને જૂનાગઢમાં ઘણી નોકરીઓ કરી છે.

તેણે થોડા સમય માટે મોડલિંગ પણ કર્યું છે. ગુજરાતના ઉપલેટામાં જન્મેલી રેશ્મા પટેલ હાલમાં ગુજરાતના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) મહિલા મોરચાના પ્રમુખ છે. રેશ્મા પટેલ ઘણા વર્ષોથી મહિલાઓ, બાળકો, યુવાનો અને ખેડૂતોના મુદ્દા પર કામ કરે છે. તે અનેક આંદોલનોમાં સામેલ રહી છે. તે પાટીદાર આંદોલનમાં હાર્દિક પટેલની કોર ટીમનો એક ભાગ હતી અને ચર્ચામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી રેશ્મા પટેલે અલગ વાતાવરણમાં પોતાની સગાઈ વિશે માહિતી આપી હતી. તેણે પહેલા લખ્યું હતું કે તમને બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ પછી, હું સ્મિત સાથે તમારા બધા સાથે મારી લાગણી શેર કરું છું. ત્યારબાદ તેણે તેની સગાઈની તસવીરો પોસ્ટ કરી હતી. રેશમા પાટીદાર આંદોલન બાદ ભાજપમાં જોડાઈ હતી, પરંતુ થોડા સમય બાદ તે ભાજપ છોડીને NCPમાં જોડાઈ ગઈ હતી.

આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. ગત ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે ગઠબંધન થઈ શક્યું ન હતું. આ વખતે ગઠબંધન અપેક્ષિત છે. આવી સ્થિતિમાં રેશ્મા પટેલ ગોંડલથી ચૂંટણી લડી શકે છે. ગોંડલ બેઠક પર હાલ ભાજપનો કબજો છે. 2012માં પણ આ બેઠક પરથી ભાજપે જીત મેળવી હતી. 2007ની ચૂંટણીમાં એનસીપીનો વિજય થયો હતો.

Shah Jina