શું બ્રિટનની ક્વીનના મોત બાદ ભારત પરત આવશે કોહીનુર ? રવીના ટંડને શેર કર્યો વીડિયો

તાજેતરમાં બ્રિટનની ક્વીન એલિઝાબેથ IIનું અવસાન થયું હતું. સમગ્ર વિશ્વમાં આ સમાચાર સાંભળીને લોકો ખૂબ જ દુઃખી થયા. પરંતુ આ બધાની વચ્ચે એક વસ્તુ હતી જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી અને તે હતુ કોહિનૂર… લોકો માંગ કરી રહ્યા છે કે કોહિનૂર પરત કરવામાં આવે અને લોકો તેના વિશે પોતાના વિચારો રાખી રહ્યા છે. હવે ઈન્ટરનેટ પર ચાલી રહેલી આ ચર્ચામાં બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન પણ કૂદી પડી છે અને આ સમગ્ર મામલે પોતાનો મત રજૂ કર્યો છે. રવિના ટંડને તેના ટ્વીટર એકાઉન્ટ પર કોમેડિયન અને પોલિટિકલ કોમેન્ટેટર જોન ઓલિવરના કોહિનૂર હીરા પર એક ફની વીડિયો શેર કર્યો છે.

આ વીડિયો સામે આવ્યા બાદ કોહિનૂરના ટ્રેન્ડમાં વધુ પવન ફૂંકાયો છે. ક્વીન એલિઝાબેથ IIના અવસાન બાદ કેટલાક લોકોનું માનવું છે કે હવે કોહિનૂર હીરો ભારતને પરત મળવો જોઈએ. રવિનાએ પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો છે. અભિનેત્રીએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો, જેમાં શોના હોસ્ટ જોન કહે છે કે ભારતીયો માંગ કરી રહ્યા છે કે કોહિનૂર હીરો તેમને પરત કરવામાં આવે, કોહિનૂર ભારતમાંથી લાવવામાં આવ્યો હતો, જે હવે ક્વીનના તાજને શોભે છે. તમને જણાવી દઈએ કે, રોયલ ટ્રસ્ટ કલેક્શન અનુસાર, દિવંગત રાણી એલિઝાબેથ IIએ 1953માં તેમના રાજ્યાભિષેક વખતે તેને પહેર્યો હતો.

વિડિયોમાં, બ્રિટિશરો અને તેમની ભૂતપૂર્વ વસાહતોમાંથી કલાકૃતિઓની ‘ચોરી’ કરવાની તેમની આદત પર કટાક્ષ કરતા જોન ઓલિવર વધુમાં કહે છે કે બ્રિટન માત્ર કોહિનૂર હીરા જ નહીં પરંતુ વિશ્વભરમાંથી ઘણી ઐતિહાસિક વસ્તુઓ પણ લાવ્યા છે. જો તેઓ તમામ વસ્તુઓ પરત કરવાનું શરૂ કરશે તો પ્રખ્યાત બ્રિટિશ મ્યુઝિયમ જે ‘ક્રાઇમ’નું સાક્ષી છે તે ખાલી થઈ જશે. જોન ઓલિવરના આ શબ્દોથી રવિનાને પણ હસવું આવ્યું અને તે વીડિયો શેર કરવાથી પોતાને રોકી શકી નહીં. તેણે કેપ્શનમાં લખ્યું, અદ્ભુત! તેની પંચલાઈન. સમગ્ર બ્રિટિશ મ્યુઝિયમને એક્ટિવ ક્રાઈમ સીન જાહેર કરવું જોઈએ.

તમને જણાવી દઈએ કે, કોહિનૂર સૌથી પ્રખ્યાત હીરો છે. એવું કહેવાય છે કે શરૂઆતમાં તે લગભગ 793 કેરેટ હતો અને હવે તે ઘટીને લગભગ 105.6 કેરેટ થઈ ગયો છે. એક સમયે તે વિશ્વનો સૌથી મોટો હીરો માનવામાં આવતો હતો. કોહિનૂર સદીઓથી ઈંગ્લેન્ડની ક્વીનના માથે શોભે છે. આ હીરાને સૌથી પહેલા રાણી વિક્ટોરિયાને સોંપવામાં આવ્યો હતો, ત્યારબાદ આ રાણી એલેક્ઝાન્ડ્રા પાસે હતો અને તેના મૃત્યુ પછી, આ હીરો રાણી મેરીના તાજનું ગૌરવ બની ગયું. આ પછી, કોહિનૂર હીરાને રાણી એલિઝાબેથ IIના માથા પર શણગારવામાં આવ્યો હતો. હવે આ હીરા રાજા ચાર્લ્સ-3ની પત્ની કેમિલાનો હશે.

Shah Jina