તમે જોયું ફિલ્મ “83”નું ટ્રેલર ? કપિલદેવ બનીને રણવીર સિંહ છવાઈ ગયો મેદાનમાં, ટ્રેલરે જ જીતી લીધું દર્શકોનું દિલ

આપણા દેશની જનતા જેટલો ફિલ્મોને પ્રેમ કરે છે, એટલો જ ક્રિકેટને પણ પ્રેમ કરે છે, ભારતની દરેક મેચ દર્શકો નિહાળે છે, ત્યારે ફિલ્મ અને ક્રિકેટ બંને એકમાં જ જોવા મળે તો કેવું ? કેટલાક ક્રિકેટરોની બાયોગ્રાફી ઉપર ફિલ્મો બની છે અને દર્શકોએ તેને માણી પણ છે, ત્યારે હાલમાં જ ફિલ્મ “83”નું ટ્રેલર રિલીઝ થયું છે. જેને દર્શકો ભરપૂર પ્રેમ આપી રહ્યા છે.

રણવીર સિંહની જે ફિલ્મની રાહ જોવાઈ રહી હતી તે ફિલ્મ “83”નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે અને કપિલ દેવનો રોલ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ચાહકો ઘણા સમયથી આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. ટ્રેલરની શરૂઆત ભારતીય ટીમની રમતથી થાય છે. ભારતીય ટીમના ખેલાડીઓ એક પછી એક આઉટ થાય છે અને આખી ટીમ કપિલ દેવ પાસેથી અપેક્ષા રાખે છે.

જ્યારે ભારતીય ટીમ 1983નો વર્લ્ડ કપ રમવા જાય છે, ત્યારે રણવીર કપિલનો પોઝ આપે છે અને કોન્ફરન્સમાં કહે છે કે તે અહીં જીતવા આવ્યો છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી તત્કાલીન ભારતીય ટીમના મેનેજર પીઆર માન સિંહની ભૂમિકા ભજવી રહ્યા છે.

ટ્રેલરમાં તે કપિલને કહે છે, “35 વર્ષ પહેલા અમે આઝાદી જીતી લીધી હતી, પરંતુ સન્માન જીતવું હજી બાકી છે કપ્તાન.” જો કે, જીત પહેલા ભારતીય ટીમ અને તેમના પરિવારને જે દુઃખ અને સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે તે ખૂબ જ ભાવનાત્મક છે.

ટ્રેલરમાં દીપિકા પાદુકોણ જોવા મળી રહી છે, જે ફિલ્મમાં કપિલ દેવની પત્ની રોમી દેવનો રોલ કરી રહી છે. ફિલ્મમાં હાર્દિક સંધુએ મદન લાલની ભૂમિકા, એમી વિર્કે બલવિંદર સિંહ સંધુની ભૂમિકા, સાકિબ સલીમે મોહિન્દર અમરનાથની ભૂમિકા ભજવી હતી. ટ્રેલરમાં તમે ભારતીય ક્રિકેટ ટીમ પર ભારતને જીતાડવાનું દબાણ પણ અનુભવી શકશો.

જણાવી દઈએ કે, કબીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ અગાઉ ગયા વર્ષે રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડને કારણે રિલીઝ ટાળવામાં આવી હતી. હવે આ ફિલ્મ આ વર્ષે 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં દસ્તક આપશે. હિન્દી સિવાય આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે.

Niraj Patel