સુરતના આ દૃશ્યો જોઈને લાગશે કે માનવતા ખરેખર મરી પરવારી છે, એક પિતા પોતાના દીકરાને લઈને 1 કિલોમીટર દોડ્યો, પણ કોઇએ મદદ ના કરી, અંતે દીકરાનું મોત

ઘણીવાર એવા દૃશ્યો જોવા મળે છે જેને જોઈને ખરેખર લાગી આવે કે માનવતા ખરેખર મરી પરવારી છે, આવા જ દૃશ્યો હાલ સુરતમાં જોવા મળ્યા છે. સુરતની અંદર એક લાચાર પિતા પોતાના દીકરાને હાથમાં લઈને એક કિલોમીટર સુધી દોડતો રહ્યો પરંતુ તેમની મદદે કોઈ ના આવ્યું અને અંતે દીકરાનું મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના ઉમરવાડાનો રજત સહાની પોતાના ત્રણ વર્ષના માસુમ દીકરા મનીષને લઈને રોડ ઉપર દોડતો રહ્યો પરંતુ તેમને જોઈને ના કોઈ રીક્ષા ચાલકે મદદ દાખવી ના કોઈ રસ્તે પસાર થનારા અને અંતે ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા 3 વર્ષના માસુમ મનીષને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

મનીષને ત્રણ દિવસથી ઝાડા-ઉલ્ટી હતા.  સ્થાનિક ડોકટરો પાસે સારવાર કરાવતા પણ તબિયતમાં કોઈ સુધાર આવ્યો નહોતો, જે બાદ આજે સવારે દીકરાની તબિયત વધુ બગડતા રજત તેને હાથમાં ઊંચકીને હોસ્પિટલ તરફ દોડી રહ્યો હતો, પરંતુ લોકો તેમને જોઈ રહ્યા પરંતુ કોઈ મદદ માટે આગળ આવ્યું નહીં તેવું રજતે જણાવ્યું હતું.

તો આ બાબતે મનીષના પિતા રજત સહાનીએ જણાવ્યું હતું કે, “અમે બિહારવાસી છીએ. છ વર્ષથી પત્ની અને બે પુત્રો સાથે ઉમરવાડા ગિરનાર ટ્રાન્સપોર્ટમાં રહી મજૂરી કામ કરતા આવ્યા છે. સાહેબ, દરેક લોકોની મદદમાં મેં ક્યારે કોઈને ના નથી પાડી, પણ આજે જ્યારે મને મદદની જરૂર હતી તો કોઈ આગળ નહિ આવ્યું એનું દુઃખ છે.”

પોતાનું દુઃખ વ્યક્ત કરતા તેમને જણાવ્યું હતું કે, “મારો મોટો પુત્ર 3 વર્ષીય મનીષકુમારની આજે સવારે અચાનક તબિયત બગડતાં હું તેને લઈ હોસ્પિટલ આવવા રિક્ષાચાલકોને હાથ ઊંચો કરતો રહ્યો, પણ કોઈ ઊભી ના રહી અને જે ઊભા રહ્યા તેમને ઝાડા-ઊલટી હો રહા હૈ, મેરે માસૂમ બેટે કો હોસ્પિટલ તક છોડ દો કહેતાં જ ભાગી જતા હતા. હું કિન્નરી સુધી એક કિલોમીટર કહી શકાય ત્યાં સુધી માસૂમ બીમાર પુત્રને હાથમાં ઊંચકીને દોડતો રહ્યો, પણ કોઈને માનવતા યાદ ન આવી, લોકો જોતા હતા પણ શું થયું એ પૂછતા પણ ગભરાતા હોય એમ લાગતું હતું.”

Niraj Patel