વડોદરામાં કેન્દ્રીય મંત્રીનો કાફલો નીકળતો હતો ત્યારે જ રોડ ઉપર મચી ગઈ દેશી દારૂની રેલમછેલ? નજારો જોઈને હેરાન રહી જશો

ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું જોવા મળે છે, ઘણી જગ્યાએ આપણે દારૂ વેચવાના પર્દાફાશ થતા જોયા હશે, પરંતુ હાલ બરોડામાંથી જે ઘટના સામે આવી છે તે જોઈને સૌ કોઈ હેરાન રહી ગયું છે. આ ઘટનાએ ગુજરાતમાં દારૂબંધીને ધજાગરા પણ ઉડાવ્યા હતા, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યા હતા, ત્યારે તેમના સર્કિટ હાઉસ જવાના રસ્તા ઉપર જ એક દારૂનો ખેપિયો ગાયની અડફેટમાં આવી ગયો હતો અને તેના કારણે રસ્તા ઉપર જ દારૂની રેલમછેલ મચી ગઈ હતી અને જ્યાં દારૂ ઢોળાયો હતો તેની બાજુમાંથી જ કેન્દ્રીય મંત્રીનો કાફલો પણ નીકળ્યો હતો.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર કેન્દ્રીય મંત્રીનો કાફલો એરપોર્ટ સર્કલથી એલ એન્ડ ટી તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન જ રસ્તા ઉપર દેશી દારૂની પોટલીઓ વેર-વિખેર પડેલી જોવા મળી હતી. જેમાં બપોરના સમયે એક યુવક ટુ વ્હીલર લઈને એરપોર્ટ સર્કલથી એલ એન્ડ ટી સર્કલ તરફ જઈ રહ્યો હતો ત્યારે બાઈક ઉપર રહેલા બે પોટલાં રસ્તા ઉપર રઝળતી ગાયની ચપેટમાં આવી ગયા હતા અને તેમાં દારૂની પોટલીઓ હોવાના કારણે રસ્તા ઉપર જ વે વિખેર થઇ ગઈ હતી.

દારૂની પોટલીઓ આ રીતે રસ્તા ઉપર પડી જવાના કારણે આખા રસ્તા ઉપર દેશી દારૂની દુર્ગંધ પણ ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન એક મહિલાએ આવીને લોકોને આ સ્થળેથી દૂર રહેવા માટે જણાવ્યું હતું. થોડી જ વારમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનો કાફલો પણ આવી પહોંચ્યો હતો, જેમાં ગાડીના પાયલોટને મહિલાએ બાજુમાંથી નીકળવાનો ઈશારો કરતા મંત્રીનો કાફલો પણ રસ્તા ઉપર પડેલી દારૂની પોટલીઓની બાજુમાંથી જ નીકળ્યો હતો.

દેશી દારૂની પોટલીઓ લઈ જઈ રહેલા યુવકનું નામ સુરેશ ઉર્ફે ભયલુ જ્યંતિભાઈ ઠાકોર હતું. મીડિયા રિપોર્ટ અનુસાર તે પોલીસથી ભાગવા માટે જઈ રહ્યો હતો ત્યારે જ તેનું બાઈક ગાય સાથે અથડાયું હતું અને દારૂની પોટલીઓ રસ્તા ઉપર પડી ગઈ હતી, અને તે ભાગી ગયો હતો. પોલીસે સ્થળ ઉપરથી 9 દેશી દારૂની પોટલીઓ અને ખેપીયા ભયલુ ઠાકોરને ઝડપી પાડ્યો હતો.

Niraj Patel