રાજકોટમાં પુત્ર અને પુત્રવધુ વૃદ્ધાશ્રમમાં રહેતાં માતા કુંવરબાને 5 વર્ષ બાદ કાર લઈને લેવા આવ્યા, સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ઘણીવાર પરિવારમાં એવા સંજોગો ઊભા થઇ જતા હોય છે કે સામાં પુરે તરવા જેવી સ્થિતિ હોય તેમ છત્તાં પણ ધીરજ રાખી અને હકારાત્મક વિચાર રાખી નૈયાને પાર કરી શકાય છે. આવું જ ઉદાહરણ રાજકોટમાંથી સામે આવ્યુ છે. રાજકોટના કુંવરબા નામના એક વૃદ્ધાના પતિનું અવસાન અચાનક થઇ ગયુ હતુ અને તેમના અવસાન બાદ કોઇ અન્ય આધાર ન હતો જેના કારણે તેમને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડ્યો હતો. ઘણીવાર તમે એવું સાંભળ્યુ હશે કે દીકરો અને વહુ માતા-પિતાને કોઇ કારણસર વૃદ્ધાશ્રમમાં મૂકી જતા હોય છે પરંતુ આ કિસ્સો અલગ છે.

જેમાં કુંવરબા જાતે ચાલીને જ પતિના અવસાન બાદ વૃદ્ધાશ્રમમાં રહેવા ચાલ્યા ગયા હતા. જયારે પતિનું મોત થયુ ત્યારે તેમના પરિવારમાં ઘણી સમસ્યા મિલકતને લઇને સર્જાઇ હતી અને પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. પતિના મોત સમયે મહિલા ુાસે પોતાની મિલકત હતી પરંતુ આ મિલકત પર પરિવારના અને અન્ય લોકો ખૂબ સસ્તા ભાવે ખરીદી કરવા માંગતા પરંતુ કુંવરબાએ સમય સાથે તાલ મિલાવ્યો અને સ્વેચ્છાએ નિર્ણય લીધો અને રાજકોટના એક વૃદ્ધાશ્રમમાં રહેવા ચાલ્યા ગયા. ત્યાં તેઓ પાંચેક વર્ષ રહ્યા હતા.

તેમણે પોતાની મિલકત ઊંચા ભાવે વહેંચી હતી. મિલકતની સારી રકમ આવી તે માતાએ વિપરીત સંજોગોમાં સામનો કરી રહેલ દીકરાના પરિવારને આપી હતી. આ રકમથી દીકરાની આર્થિક સ્થિતિ સુધરી ગઇ અને આ રકમમાંથી તેણે પોતાનું ઘર પણ ખરીદ્યુ. જે બાદ આર્થિક પરિસ્થિતિ સુધરતા પરિવારમાં પણ ખુશી છવાઇ હઇ. જે બાદ દીકરાની વહુએ કહ્યુ કે, ચાલો બાને લઇ આવીએ. ત્યારે દીકરો વહુ અને પૌત્ર ત્રણેય કુંવરબાને લેવા આવ્યા. ત્યારે દીકરાના પરિવારને જોઇને તો કુંવરબાની ખુશીનો તો પાર જ ન રહ્યો.

બાને વાજતે ગાજતે પરિવાર ઘરે લઇ ગયો. છેલ્લા પાંચેક વર્ષ વૃદ્ધાશ્રમમાં રહ્યા બાદ તેમની ત્યાંના લોકો સાથે પણ લાગણી બંધાઇ ગઇ હતી અને જયારે કુંવરબાનો પરિવાર તેમને ઘરે લઇ જવા આવ્યો ત્યારે તેમના સાથીઓના આંખમાં પણ હર્ષના આંસુ આવી ગયા હતા. ત્યારે બા પણ પોતાની બહેનપણીઓ સાથે વિદાય લેતા રડી પડ્યા હતા. આશ્રમમાંથી જતા જતા કુંવરબાએ કહ્યું કે, કપરા કાળમાં આશ્રમે મને તૂટી જતા બચાવી, મારો જુસ્સો ટક્યો.

Shah Jina