ખબર

મહામારીમાં પરિવાર બન્યો પ્રાણવાયુ, ક્યાંક વહુએ સાસુને ચાર કલાક સુધી પવન નાખ્યો તો ક્યાંક દીકરાએ પોર્ટેબલ બાટલાથી પિતાને ઓક્સિજન આપ્યો

કોરોનાનું સંક્ર્મણ સતત વધી રહ્યું છે, ત્યારે આ મહામારીના સમયમાં કેટલાક એવા દૃશ્યો પણ સામે આવે છે જે જોઈને આપણે પણ કંપારી આવી જાય. ઘણા દૃશ્યોમાં આપણે જોયું છે કે આવા કપરા સમયમાં પરિવાર પણ સાથ નથી આપતો પરંતુ રાજકોટમાંથી સામે આવેલા દૃશ્યો ખરેખર પ્રેરણા સમાન છે.

રાજકોટ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, જ્યાં એક તરફ ખાનગી હોસ્પિટલની અંદર બેડ મળવા મુશ્કેલ બન્યા છે ત્યારે સીવીલી હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે લાંબી લાઈનો પણ લાગી ગઈ છે.

આ દરમિયાન દર્દી એમ્બ્યુલન્સ,ખાનગી વાહન, રિક્ષામાં ઓક્સિજન પર હોય છે. ત્યારે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા દર્દીને બચાવવા માટે તેનાં સ્નેહી સ્વજનો એડીચોટીનું જોર લગાવી દે છે. આવા જ કેટલાક દૃશ્યો જોવા મળ્યા હતા.

દિવ્ય ભાસ્કર મીડિયા ન્યુઝ પ્રમાણે ગોંડલના ખાંડાધાર ગામના ગોવિંદભાઇ રામજીભાઇ ડાંગરને રવિવારે સવારે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમનાં પરિવારજનોએ ગોવિંદભાઇને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ઓક્સિજનના બાટલા પણ ગોંડલમાં ઉપલબ્ધ નહોતા, અંતે, મેડિકલ સ્ટોરમાંથી ઓક્સિજનના પોર્ટેબલ બાટલા મળતાં એ ખરીદ કર્યા હતા. પરિવારના સભ્યે ગોવિંદભાઇને ખોળામાં સુવડાવી હાથથી પોર્ટેબલ બાટલાથી ઓક્સિજન આપવાનું શરૂ કર્યું હતું અને તેણે બે પોર્ટેબલ બાટલાની મદદથી પ્રૌઢને હેમખેમ હોસ્પિટલે પહોંચાડ્યા હતા.

તો બીજી એક કિસ્સામાં પિતા કોરોનાગ્રસ્ત હતા. એમ્બ્યુલન્સ ન મળી તો પુત્ર ઈકો કારમાં પિતાને લઈને સિવિલ હોસ્પિટલે લાવ્યો. ઓક્સિજન ચાલુ હતો, પરંતુ પિતાને ગભરામણ થઇ અને પરસેવો વળતાં પુત્રએ પોતાના શ્વાસથી પિતાની ગરમી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાના પિતાને ઝડપથી સારવાર મળે એ માટે સતત ચિંતા કરતો રહ્યો હતો.

તો જયારે આજે સાસુ વહુ વચ્ચેના અણબનાવો મોટાભાગે જોવા મળે છે એવામાં રવિવારે સિવિલમાં કોરોનાગ્રસ્ત સાસુની સેવા માટે તેની પુત્રવધૂ ડોક્ટરથી પણ ચડિયાતી સાબિત થઇ. બાબરિયા કોલોનીમાં રહેતાં રંજનબેન ગોસાઈ કોરોના પોઝિટિવ આવ્યાં. તેઓ ઘરે જ આઈસોલેટેડ થયાં હતાં. રવિવારે તેમની તબિયત બગડી. એમ્બ્યુલન્સ ન મળી તો તેના પુત્ર અને પુત્રવધૂ રિક્ષામાં ચાલુ ઓક્સિજને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા. સવારે સિવિલમાં પહોંચ્યા બપોરે 1.00 વાગ્યા સુધી તેમને સારવાર ન મળી. 40 ડીગ્રીમાં પુત્રવધૂએ રંજનબેનને સારવાર ન મળી ત્યાં સુધી સાસુની સેવા કરી. સાસુને તડકો ન લાગે તે માટે રિક્ષામાં જ પડદો કર્યો અને ફાઈલની મદદથી સતત પવન નાખતા રહ્યા હતા. (સાભાર: દિવ્ય ભાસ્કર)