BREAKING: રાજકોટ બસ અકસ્માતના સિટી બસની અંદરના CCTV ફૂટેજ આવ્યા સામે, હચમચાવી નાખે દ્રશ્યો

રાજકોટમાં ગઈકાલે બુધવારે ઈન્દિરા સર્કલ પાસે એક સીટી બસના ડ્રાઈવરે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. ડ્રાઈવરે બેકાબૂ બસ હંકારીને 9 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. આ હચમચાવી દેનારા અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના વધુ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સિટી બસની અંદરના કેમેરાના દૃશ્યો પણ સામેલ છે. આ ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે આ અકસ્માત સર્જાયો હતો અને કેવી રીતે ડ્રાઇવરે બસ હંકારતા ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલરમાં સવાર લોકો અડફેટે ચડ્યા હતા.

ગઈકાલે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે, બસ ચાલક બેફામ રીતે બસ ચલાવી રહ્યો હતો અને રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને અડફેટે લીધા હતા. લગભગ 200થી 300 મીટરના અંતર સુધી વાહનચાલકોને અડફેટે લીધા હતા. ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોએ સીટી બસ પર પથ્થરમારો કરી કાચ ફોડ્યા હતા.

RTOની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, સીટી બસમાં બ્રેક ફેઈલ થઈ નહોતી. બસમાં કોઈપણ પ્રકારની ટેકનિકલ ખામી ન હોવાની વિગત સામે આવી રહી છે. મહાનગરપાલિકાએ 19 મહિના પહેલાં જ આ બસ ખરીદી હતી અને બસનો વીમો પણ ચાલુ હતો. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના રિપોર્ટમાં અકસ્માત અંગે વધુ વિગતો બહાર આવી શકે છે.

રાજકોટમાં સિટી બસચાલકે સર્જેલા ગંભીર અકસ્માતની ઘટના બાદ ઉશ્કેરાયેલા લોકોએ બસ પર કરેલા પથ્થરમારાના કિસ્સામાં પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે 10-20 જેટલા અજાણ્યા લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ લોકો સામે જાહેર મિલકતને નુકસાન, મારામારી, રાયોટિંગ અને ફરજમાં રૂકાવટના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. પોલીસે વીડિયો ફૂટેજના આધારે શંકાસ્પદ ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી છે. આ દુર્ઘટનામાં બેફામ ગતિએ બસ હંકારનાર ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાની તબિયત હાલ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

કોન્ટ્રાક્ટર કંપની અને સંચાલકોની વિગત

દિલ્લીની PMI કંપનીને રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા સિટી બસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. વિશ્વકર્મા અને નારાયણ નામની બે એજન્સીઓ સિટી બસ સેવાનું સંચાલન કરે છે. જસ્મિન રાઠોર અને વિક્રમ ડાંગર નામના બે વ્યક્તિઓ આ એજન્સીઓનું સંચાલન કરી રહ્યા છે. મહત્વનું છે કે રાજકોટ મનપા PMI કંપનીને કિલોમીટર દીઠ 53.48 રૂપિયા ચૂકવે છે. ઉલ્લેખનીય છે કે જસ્મિન રાઠોર રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ આસિસ્ટન્ટ ઈજનેર છે, જ્યારે વિક્રમ ડાંગર અગ્રણી નેતા તરીકે ઓળખાય છે.

માત્ર 2,674 રૂપિયાનો નજીવો દંડ

આશ્ચર્યજનક બાબત એ છે કે ચાર લોકોના મોત અને અનેક લોકોને ઈજા પહોંચાડનારી આ ગંભીર ઘટના બાદ સિટીબસનો કોન્ટ્રાક્ટ ધરાવતી PMI કંપનીને માત્ર 2,674 રૂપિયાનો નજીવો દંડ ફટકારવામાં આવ્યો છે. આટલા મોટા અકસ્માતમાં આટલો નજીવો દંડ કાર્યવાહીના નામે માત્ર દેખાડો હોવાનું ચિત્ર ઉભું કરી રહ્યો છે.

Previous Article

જો જો ધક્કે ન ચઢતા..આરબીઆઈએ અમદાવાદની આ બેન્કનું લાઈસન્સ કરી દીધું રદ, જાણો ગ્રાહકોના પૈસાનું શું

Next Article

યુવતી યુવકની સામે આવી ટુવાલમાં, અચાનક એવું તો શું બન્યું કે બાળકની જેમ ઉછળવા-કૂદવા લાગી, તેમે પણ કહેશો કે અરે આ શું...

error: Protected Content!