હે રામ…ગુજરાતમાં ફરી બે લોકોના હાર્ટ એટેકથી મોત ! રાજકોટમાં એક વેપારીનું નાસ્તો કર્યા બાદ અચાનક ઢળી પડતા મોત

Rajkot Heart Attack News : ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘણી ઘટનાઓ સામે આવે છે. કેટલીકવાર તો નાની નાની ઉંમરના લોકો પણ હાર્ટ એટેકને કારણે મોતને ભેટતા હોવાનું સામે આવે છે. ત્યારે હાલમાં રાજ્યમાંથી વધુ બે લોકોનું હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. રાજકોટમાં બે પટેલ વેપારીઓના હાર્ટ એટેકથી મોત થયા છે. પહેલી ઘટનાની વાત કરીએ તો, 150 ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ નજીક ઓમનગર મેઈન રોડ પર રહેતા અને વિજયપ્લોટમાં જલારામ ઓટો પાર્ટસ નામે દુકાન ધરાવી ઓટો પાર્ટસનો વેપાર કરતા 45 વર્ષિય દિનેશભાઈનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ.

તેઓ સવારે આઠેક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે સવારે ઉઠીને બ્રશ કર્યા બાદ ચા-નાસ્તો કરી બાથરૂમ તરફ જતા સમયે અચાનક જ તેઓ બેભાન થઈ ગયા અને ઢળી પડ્યા. આ સમયે પરીવારના સભ્યો દોડી ગયા અને તેમને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પીટલમાં ખસેડ્યા. જો કે, ત્યાં ફરજ પરના તબીબે દિનેશભાઈને મૃત જાહેર કર્યા હતા. દિનેશભાઈને સંતાનમાં એક 18 વર્ષનો દિકરો છે અને આ ઉંમરે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

ત્યારે આ ઘટનાને લઇને પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. હાલ તો પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આવી જ ઘટના એક દિવસ પહેલા પણ સામે આવી હતી, જેમાં કોઠારીયા મેઈન રોડ ઉપર શ્રધ્ધા પાર્કમાં રહેતા 42 વર્ષીય કિશોરભાઈ ઢોલરીયાનું પણ હાર્ટએટેક આવતા મોત થયુ હતું.

Shah Jina