ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં જ સુરતના ડુમસ રોડ પીપલોદ વિસ્તારમાંથી એક નવીનક્કોર મર્સિડિઝ કારના અકસ્માતની ખબર સામે આવી. કારચાલક મહિલાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જે બાદ કાર લોખંડની રેલિંગ તોડીને BRTS રૂટમાં ઘૂસી ગઈ.
અકસ્માતને પગલે કારચાલક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. ગત રોજ એટલે કે 13 મેએ ફૂંકાયેલા ભારે પવનના કારણે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યુ છે. રાત્રે 10 વાગ્યા પછી સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું અને તેને કારણે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી હતી.
ત્યારે આ દરમિયાન ડુમસ રોડ પીપલોદ વિસ્તારમાં આવેલ ઇસ્કોન મોલ નજીક મહિલા નવીનક્કોર 70 લાખની મર્સિડિઝ કાર લઈને જઇ રહી હતી ત્યારે ભારે પવન સાથે ધૂળ ઉડતા વિઝિબ્લિટી ઓછી થઈ ગઈ હોવાથી મહિલાએ કારનું સંતુલન ગુમાવ્યું હોવાનું જણાવ્યું હતું.
સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા જ કાર BRTSની રેલિંગ તોડીને અંદર ઘૂસી ગઈ હતી. જો કે, એરબેગ ખુલી જવાને કારણે મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી.