બોલીવુડના ઘણા કલાકારો છેલ્લા ઘણા સમયથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ઘણા કલાકારો ફિલ્મના શૂટિંગ માટે આવી રહ્યા છે તો ઘણા કલાકારો ગુજરાતની અંદર અલગ અલગ સ્થળોએ ફરવાનો આનંદ માણવા માટે આવી રહી છે. ત્યારે બોલીવુડના ખુબ જ ખ્યાતનામ અભિનેતા સુનિલ શેટ્ટીએ પણ ગુજરાતની મુલાકાત લીધી.
રાજકોટ એરપોર્ટ ઉપર અભિનેતા સુનિલ શેટ્ટી અને અભિનેત્રી ઉર્મિલા માતોંડકર આવવાની ખબર મળતા જ ચાહકોના ટોળા તેમને જોવા માટે ઉમટી પડ્યા હતા. આ બન્ને સેલિબ્રિટી રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ ભરતભાઈ ખાચરની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા તેમની સાથે દિગ્ગજ ડિરેક્ટર અનિસ બઝમી પણ હતા. જો કે આ લગ્નનું આયોજન સાસણના જગીરા રિસોર્ટમાં કરવામાં આવ્યું હોવાથી બન્ને કલાકારો રાજકોટમાં થોડો સમય રોકાઈ સાસણ જવા રવાના થયા હતા.
સુનિલ શેટ્ટીએ આ દરમિયાન મીડિયા સાથે પણ વાતચીત કરી હતી અને પોતાના હળવા અંદાજમાં કહ્યું હતું કે, “ભૂખ બહુ લાગી છે મારે ગુજરાતી થાળી ખાવી છે” ત્યારે બધા હસી પડ્યા હતા. તેમણે આગળ કહ્યું મને ગુજરાત આવવું ગમે છે. અત્યારે તો ખાસ લગ્નમાં હાજરી આપવા માટે આવ્યો છું. પછી સાસણમાં સફારી પાર્કની મુલાકાત લઈશ.
આ ઉપરાંત સુનિલ શેટ્ટીએ લોકગાયક રાજભા ગઢવી સાથે પણ મુલાકાત કરી હતી, જેની ઘણી તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી તસવીરોમાં રાજભા ગઢવી અને સુનિલ શેટ્ટી બંને કોઈ ટોપિક ઉપર વાત કરતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તેમને કેમેરા સામે પોઝ પણ આપ્યા હતા.
સોશિયલ મીડિયામાં રાજભા ગઢવી અને સુનિલ શેટ્ટીની વાયરલ થઇ રહેલી તસ્વીરોને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. તો ઘણા લોકો “વાહ ચારણ.”ની કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ ઉપરાંત પણ ઘણા લોકોએ રાજભા અને સુનિલ શેટ્ટીની મુલાકાતની ખુબ જ પ્રસંશા પણ કરી હતી. તો સુનિલ શેટ્ટીએ પણ રાજભાના વખાણ કરતા કહ્યું હતું, “રાજભા આપકી તારીફ બહુત સુની હે !”