સાવધાન : ઘરમાં સગડી સળગાવી સૂવું બની ગયો કાળ, દમ ઘૂંટાવાના કારણે સાસુ-વહુ અને પૌત્રીનું મોત
ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર મોતના અલગ અલગ કિસ્સાઓ સામે આવે છે. જેમાં કેટલીકવાર શ્વાસ રૂંધાવાને કારણે પણ મોત થતું હોવાનું સામે આવતુ હોય છે. ત્યારે હાલમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના ચુરુમાં રૂમમાં સગડી સળગાવીને સૂતા સમયે એક જ પરિવારના ત્રણ લોકોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. આ મામલો ગૌરીસર ગામનો છે. મૃતકોમાં ત્રણ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. માહિતી મળતાં જ સીઆઈ પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘટનાની તપાસ કરી હતી.
પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મળતી માહિતી મુજબ, 56 વર્ષીય અમરચંદ પ્રજાપતિનો પરિવાર ખેતરમાં ઢાણી બનાવીને રહે છે. અમરચંદના બે પુત્રો રાજકુમાર અને કેદાર ગુજરાતમાં કામ કરે છે. રવિવારે અમરચંદ તેની 55 વર્ષીય પત્ની સોના દેવી, 25 વર્ષીય પુત્રવધૂ ગાયત્રી, પાંચ વર્ષીય પૌત્ર કમલ, અઢી વર્ષીય પૌત્રી તેજસવાણી અને ત્રણ મહિનાની પૌત્રી ખુશી સાથે ઘરે હાજર હતા. ત્યારે રાત્રે પરિવાર જમ્યા પછી સૂઈ ગયો હતો. કમલ બહારના રૂમમાં દાદા સાથે સૂતો હતો, જયારે સોના દેવી, ગાયત્રી, તેજસ્વની અને ખુશી અંદર એક રૂમમાં સૂતા હતા.
વધુ પડતી ઠંડીના કારણે મહિલાઓએ રૂમમાં સગડી સળગાવી હતી, જેના કારણે રૂમમાં સૂઈ રહેલા પરિવારના સભ્યોનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. સોના દેવી, ગાયત્રી અને તેજસ્વીનીનું શ્વાસ રૂંધાવાને કારણે મોત થયું હતું, જ્યારે ત્રણ મહિનાની બાળકી ખુશીને ગંભીર હાલતમાં ચુરુ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તેની હાલત હજુ પણ નાજુક છે. ઘટના બાદ ઘરમાં હોબાળો મચી ગયો હતો અને ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પરિવારે પોલીસને જણાવ્યું કે સવારે જ્યારે મહિલાઓ જાગી ન હતી ત્યારે તેમને બોલાવવામાં આવ્યા પણ તેમ છતાં કોઈ જવાબ ન મળ્યો.
જેથી આસપાસના લોકો એકઠા થયા અને બારી તોડી દરવાજો ખોલ્યો હતો. તે બાદ અંદર જઇ જોયું તો ત્રણ લોકોના મોત થયા હતા. જો કે, એક બાળકનો શ્વાસ ચાલી રહ્યો હોવાને કારણે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યુ. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બીજી તરફ પંજાબમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં સંગરુરના સુનમમાં બિહારના મજૂરો કામ કર્યા બાદ રાત્રે રૂમમાં સૂઈ રહ્યા હતા. ઠંડીથી બચવા તેમણે પણ સગડી સળગાવી હતી. પરંતુ ધુમાડાને કારણે શ્વાસ રૂંધાવાથી 5 મજૂરોના મોત થયા હતા.