ડાંસ-ખાવાનું અને પછી બનાવ્યો વીડિયો…પ્રેમિકા માટે પત્નીની હત્યા, પોલિસે કર્યો ચોંકાવનારો ખુલાસો

પહેલા કર્યો ડાંસ, પછી રિસોર્ટમાં ડિનર…પ્રેમિકાની ચાહલતમાં આવી રીતે કરી પત્નીની હત્યા

પત્નીને દર્દનાક મોત આપ્યા પહેલા પતિએ કર્યુ આવું કામ…કોઇ ના જાણી શક્યુ ઇરાદો

પંજાબના લુધિયાણામાંથી એક ચોંકાવનારી હત્યાનો કિસ્સો સામે આવ્યો. એક પતિએ તેની પત્નીની હત્યાનું કાવતરું ઘડ્યું અને ગુનો કરતા પહેલા તેની પત્ની સાથે ડિનર કર્યું ને ડાન્સ પણ કર્યો. સુખી જીવન જીવવાનો ડોળ કરતો બેટરીનો વ્યવસાયી અનોખ મિત્તલ 16 જાન્યુઆરીની રાત્રે લુધિયાણાથી 25 કિમી દૂર ડેહલો રોડ પર આવેલ બી-મેક્સ રિસોર્ટમાં પત્ની લિપ્સીને ડિનર માટે લઈ ગયો. ત્યાં બંનેએ સાથે ડાન્સ કર્યો, જેનો વીડિયો અનોખે પોતે રેકોર્ડ કર્યો અને સ્ટેટસ પર પણ મૂક્યો.

આ દરમિયાન તેણે એ બતાવવાનો પ્રયાસ કર્યો કે બંને ખૂબ જ ખુશી જીવન જીવી રહ્યા છે. જો કે આ વીડિયો રેકોર્ડ કરવા પાછળ એક અલગ જ કહાની હતી. રિસોર્ટમાં અન્ય કપલની જેમ આ બંને પણ ડાંસ કરી રહ્યા હતા, પરંતુ લિપ્સીને ખબર નહોતી કે આ ડાંસ તેના જીવનનો છેલ્લો ડાંસ હશે. થોડા કલાકો પછી, લિપ્સીની હત્યા થઇ. એક શોકગ્રસ્ત પતિની જેમ અનોખ મિત્તલે હત્યારાની ધરપકડની માંગણી સાથે લોકોની સામે ધરણા કર્યા. પરંતુ જ્યારે પોલીસે આ મામલાની તપાસ કરી, ત્યારે સત્ય બહાર આવતાં બધા દંગ રહી ગયા.

રિસોર્ટમાં ડિનર કર્યા બાદ બંને રાત્રે 12 વાગ્યે ઘરે પાછા ફરવા માટે નીકળ્યા. આ પછી ફરી થોડી દૂર ગયા બાદ કાર રોકી પાર્કિંગ લાઇટ ઓન કરી. આ એ સિગ્નલ હતુ જે તેના પ્લાન અંતર્ગત હતુ. એટલે કે, તેણે કોન્ટ્રાક્ટ કિલર્સને ગુનાને અંજામ આપવા માટે લાઇટ દ્વારા સંકેત આપ્યો. આ પછી તરત જ 4-5 હુમલાખોરો ત્યાં પહોંચ્યા અને લિપ્સી પર હુમલો કર્યો. લિપ્સીના ઘરેણાં છીનવી લીધા પછી તેઓએ તેના પર છરી વડે હુમલો કર્યો અને તેને રસ્તા પર ફેંકી દીધી.

દેખાવ ખાતર હુમલાખોરોએ અનોખના હાથ અને પગમાં પણ નાની ઇજાઓ પહોંચાડી અને પછી તેની કાર લઈને ભાગી ગયા. તપાસ દરમિયાન અનોખે પોલીસને જણાવ્યું કે હુમલાખોરોએ તેને કોઈ નશીલો પદાર્થ સૂંઘાડ્યો જેના કારણે તે બેભાન થઈ ગયો. જો કે તપાસ બાદ ડોક્ટરોએ સ્પષ્ટ કર્યું કે તેને કોઈપણ પ્રકારનો નશીલો પદાર્થ આપવામાં આવ્યો નહોતો. આ ઉપરાંત પોલીસને એ પણ વિચિત્ર લાગ્યું કે હુમલાખોરોએ ફક્ત લિપ્સી પર જ કેમ હુમલો કર્યો ?

પોલીસે તાત્કાલિક કોલ ડિટેલ્સ તપાસી ને પોલીસનો શક હકિકતમાં ફેરવાઈ ગયો. પોલીસને ખબર પડી કે ઘટના પછી તરત જ અનોખે કોઈને ‘ડન (Done)’ એવો મેસેજ મોકલ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અનોખ મિત્તલનું બીજી મહિલા સાથે અફેર હતું. તે લિપ્સીને છૂટાછેડા આપી તેની સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ લિપ્સી આ માટે તૈયાર નહોતી. એટલા માટે તેણે હત્યાનું કાવતરું ઘડ્યું.

અનોખ ધરણા પર બેઠો હોવા છતાં, પોલીસે તેને તપાસના નામે હોસ્પિટલમાં બોલાવ્યો અને ત્યાંથી તેને સીધો પોલીસ સ્ટેશન લઈ જઇ પૂછપરછ શરૂ કરી. પુરાવા જાહેર થયા પછી અનોખે પોતાનો ગુનો કબૂલી લીધો. અનોખે કાળજીપૂર્વક વિચાર કર્યા પછી પોતાની યોજના બનાવી હતી, પરંતુ તેણે એક ભૂલ કરી. પહેલીવાર તેણે તેની પત્ની સાથે ડાન્સનો વીડિયો બનાવ્યો અને સ્ટેટસ પર પોસ્ટ કર્યો, જો કે તેણે પહેલાં ક્યારેય આવું કર્યું નહોતું. પોલીસને આ વાત વિચિત્ર લાગી અને તપાસ દરમિયાન કાવતરું ખુલ્લું પડી ગયું.

Shah Jina
error: Unable To Copy Protected Content!