પ્રિયંકા ચોપરા જોનાસ આ દિવસોમાં ભારતમાં છે. તે પોતાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્નમાં હાજરી આપવા માટે આવી છે. પ્રિયંકા ચોપરાનો ભાઈ સિદ્ધાર્થ અભિનેત્રી નીલમ ઉપાધ્યાય સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. નીલમ ઉપાધ્યાય ઘણી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં જોવા મળી છે. તેણે સૌપ્રથમ ધ્યાન ત્યારે ખેંચ્યું જ્યારે તેણે MTV માટે સ્ટાઇલ ચેક કર્યો હતો. 2012માં, નીલમે મિસ્ટર 7 સાથે અભિનયની શરૂઆત કરી હતી.

આ ઉપરાંત, નીલમે Action 3D, Unnodu Oru Naal, and Om Shanthi Om માં પણ અભિનય કર્યો છે.તાજેતરના સમયમાં તેણે અભિનયથી અંતર રાખ્યું છે. મળતી માહિતી મુજબ, નીલમ અને સિદ્ધાર્થ એક ડેટિંગ એપ દ્વારા મળ્યા હતા. નીલમના પરિવારના કેટલાક સભ્યો ઓસ્ટ્રેલિયામાં રહે છે. હાર્પર બજાર યુકે સાથેના એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ કહ્યું હતું કે, ‘અમે તેને ભારત લઈ ગયા, જે ખરેખર ઘણુ કુલ હતું કારણ કે મારો ભાઈ તેની મંગેતરને એપ પર મળ્યો હતો.’ પહેલી વાર મેં એવું કંઈક કર્યું જેનાથી તે ખુશ હતો. તે ખૂબ જ સારો છે.’

સિદ્ધાર્થ અને નીલમને ડેટિંગ દરમિયાન ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા.બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજા સાથેના ફોટા પણ પોસ્ટ કર્યા હતા. ગત વર્ષે બંનેએ એક ખાનગી સમારોહમાં સગાઈ કરી હતી. તે દરમિયાન નીલમ ગુલાબી લહેંગામાં ખૂબ જ સુંદર દેખાતી હતી. હવે આ કપલ લગ્ન કરવા જઇ રહ્યા છે. હાલમાં જ કપલની હલ્દી અને મહેંદી સેરેમની યોજાઇ હતી. સિદ્ધાર્થ-નીલમની હલ્દી-મહેંદીની ઘણી તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

ચોપરા પરિવારે દીકરાના લગ્ન પહેલા ઘરમાં માતા કી ચોકી રાખી હતી, જેની તસવીરો પ્રિયંકાની માતા ડૉ.મધુ ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. પહેલા લગ્ન સમારંભનો ફોટો શેર કરતા મધુ ચોપરાએ લખ્યું, “લગ્નની વિધિઓની દૈવી શરૂઆત! માતા રાણી સિદ્ધાર્થ ચોપરા અને નીલમ ઉપાધ્યાયને સુખ, પ્રેમ અને સમૃદ્ધિ આપે. આ શુભ શરૂઆત માટે પરિવાર અને મિત્રોનો સહયોગ મળ્યો તેનો મને ખૂબ આનંદ છે.”

પ્રિયંકા ચોપરાની ભાવિ ભાભી નીલમ ઉપાધ્યાય એ પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના લગ્ન સમારંભની કેટલીક તસવીરો શેર કરી. જેમાં તે ગ્રીન શરારામાં જોવા મળી રહી છે અને તેના હાથ પર મહેંદી લાગેલી છે. ફોટો પડાવતી વખતે તે ખૂબ જ ઉત્સાહિત દેખાય છે.નીલમ અને સિદ્ધાર્થની સગાઈ બાદ એકાએક નીલમ ચર્ચામાં આવી ગઇ હતી. લોકોના મનમાં એ જ પ્રશ્ન હતો કે પ્રિયંકાની થવાવાળી ભાભી આખરે છે કોણ અને તે શું કરે છે ?

નીલમ ઉપાધ્યાયનો જન્મ 5 ઓક્ટોબર 1993 ના રોજ થયો હતો. નીલમ અભિનયની દુનિયા સાથે સંકળાયેલી છે. વાસ્તવમાં તેણે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની પહેલી ફિલ્મ 2010માં રિલીઝ થવાની હતી પરંતુ તે રિલીઝ થાય તે પહેલાં જ તેને મુલતવી રાખવામાં આવી હતી.બે વર્ષ પછી તેણે તેલુગુ ફિલ્મ ‘મિસ્ટર 7’ અને 2013માં તમિલ ફિલ્મો ‘ઉન્નોદુ ઓરુ નાલ’ અને ‘ઓમ શાંતિ ઓમ’ થી અભિનયની શરૂઆત કરી.

રીપોર્ટ અનુસાર, નીલમનો એક ભાઈ છે જે પરિણીત છે. તેની એક મોટી બહેન પણ છે જે પરિણીત છે અને ઓસ્ટ્રેલિયામાં રહે છે. જણાવી દઈએ કે નીલમ સાથે રિલેશનશિપ પહેલા પ્રિયંકા ચોપરાનો ભાઈ સિદ્ધાર્થ ઈશિતા કુમાર સાથે રિલેશનશિપમાં હતો. વર્ષ 2019માં બંનેની સગાઈ પણ થઈ હતી અને લગ્ન પણ થવાના હતા પરંતુ પાછળથી આ સંબંધ તૂટી ગયો.

એવું પણ કહેવાય છે કે નીલમ ઉપાધ્યાય વર્ષ 2019માં અંબાણીની હોળી પાર્ટીમાં સિદ્ધાર્થ ચોપરા સાથે જોવા મળી હતી. ત્યારથી તેમના અફેરની અફવાઓ શરૂ થઇ અને એવી અટકળો પણ શરૂ થઈ ગઈ કે ઇશિતા સાથેના તેના તૂટેલા લગ્ન પાછળ નીલમ જવાબદાર હતી. જો કે, આ અંગે કોઈ પુષ્ટિ નથી.