મહેરબાની કરીને કોરોના પ્રત્યે ગેરજવાબદાર ના બનશો, જુઓ પ્રેગ્નેન્ટ મહિલા ડોક્ટરની મોત પહેલાનો વીડિયો

કોરોનાનું સંક્ર્મણ ઘણા લોકોના જીવ લઇ ગયું છે. રોજ બરોજ આપણી આસપાસ અને દેશભરમાંથી કોરોનાના કારણે થતી મોતના મામલાઓ સામે આવતા રહે છે. આ દરમિયાન તંત્ર દ્વારા પણ સતત જાગૃતિ ફેલાવામાં આવી રહી છે. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને રસી લેવા માટે લોકોને વારંવાર અપીલ કરવામાં આવે છે, છતાં પણ કેટલાક લોકો આ બાબતે કાળજી નથી રાખતા.

આવી જ એક હકીકતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ડોક્ટર જિંદગી સામેનો જંગ લડતા લડતા હારી ગઈ. તે હાલમાં મરવા નહોતી માંગતી. જેના કારણે તેના સાડા ત્રણ વર્ષના દીકરા અને ગર્ભમાં ઉછરી રહેલા અજન્મ્યા બાળકનું દુઃખ તેને મૃત્યુ સુધી સતાવતું રહ્યું.

આ મહિલા ડોકટરે પોતાની મોત પહેલા બનાવેલા વીડિયોની અંદર કહી રહી છે કે કોરોનાને હલકામાં ના લેશો. માસ્ક જરૂર પહેરો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો. આ વીડિયો બનાવ્યા બાદ ડોક્ટર દીપિકા અરોરા ચાવલા નામની આ ડેન્ટિસ્ટ કોરોના સામે જિંદગીનો જંગ હારી ગઈ. તેને 11 એપ્રિલના રોજ કોરોના થયો હતો અને 26 એપ્રિલના રોજ તેને છેલ્લા શ્વાસ લીધા. દીપિકા ગર્ભવતી હતી.

ડોક્ટર દીપિકાનું કોરોના સંક્રમિત થયા બાદ જ સારવાર ચાલી રહી હતી. પરંતુ તેની તબિયત સતત બગડતી રહી. તે બીમારીના કારણે પોતાના પતિની સાથે પોતાના સાડા ત્રણ વર્ષના દીકરાને લઈને ખુબ જ ચિંતિત હતી. તેને તેના પેટની અંદર ઉછરી રહેલા બાળકની પણ ચિંતા હતી. જેને લઈને તેને ઘણા સપના પણ જોયા હતા. પરંતુ તેનું એ બાળક પણ દુનિયા ના જોઈ શક્યું જે ગર્ભમાં જ હતું.

17 એપ્રિલના રોજ રેકોર્ડ કરવામાં આવેલા આ વીડિયોની અંદર દીપિકા લોકોને સાવચેત કરી રહી છે કે “કોરોનાને હલકામાં ના લેવો. માસ્ક જરૂર પહેરો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો.હું આશા કરું છું કે આવી હાલત કોઈની પણ ના થાય. ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન. મહેરબાની કરીને પોતાના પરિવારને જણાવો કે કોરોનાને હલકામાં ના લેશો. મહેરબાની કરીને ગેરજવાબદાર ના બનો. પોતાનું માસ્ક પહેરીને જ બહાર નીકળો.

કોઈ સાથે વાત કરવી હોય તો પણ માસ્ક લગાવીને જ કરો. કારણ કે તમારા ઘરે પણ વૃદ્ધ હશે, બાળકો હશે, ગર્ભવતી મહિલાઓ હશે.  તેમના ઉપર કોરોનાની સૌથી વધારે અસર થાય છે. સૌથી વધારે આ સમયમાં મેં મારો જીવ લગાવી દીધો. હું ક્યારેય આ રીતે બેસવા વાળી નથી. હું હંમેશા કામ કરવા માંગુ છું. હંમેશા શીખવા માંગુ છું.”

આ વીડિયોને તેના પતિએ જ મધર્સ ડેના દિવસે શેર કર્યો હતો. જેના કારણે લોકો સુધી દીપિકાનો આ સંદેશ પહોંચી શકે. દીપિકા નહોતી ઇચ્છતી કે કોઈને પણ આવા દર્દમાંથી પસાર થવું પડે.

Niraj Patel