લો બોલો…છાપામારી કરવા ગયેલી પોલીસે હેન્ડપંપ હલાવ્યો તો પાણીની જગ્યાએ નીકળ્યો દારૂ, ઘટનાનો વીડિયો થયો વાયરલ

ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ તે છતાં પણ ઠેર ઠેર દારૂ ઝડપાવવાના કિસ્સાઓ સામે આવે છે, ઘણી જગ્યાએ ખુલ્લેઆમ દારૂ વેચાતો પણ જોવા મળે છે. ત્યારે દારૂ વેચવાવાળા પણ ગજબનો આઈડિયા વાપરતા જોવા મળતા હોય છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો પણ હેરાન પરેશાન રહી ગયા છે, કારણ કે અત્યાર સુધી લોકોએ હેન્ડપંપમાંથી પાણી નીકળતા જોયું હતું પરંતુ દારૂ નીકળતો પહેલીવાર જોયો.

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસની ટીમ ગેરકાયદેસર દારૂ અંગે દરોડા પાડવામાં વ્યસ્ત હતી.આ દરમિયાન હેન્ડપંપમાંથી દારૂ નીકળતો હોવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસની ટીમે જ્યારે આ હેન્ડપંપ ચલાવ્યો ત્યારે તેમાંથી પાણીને બદલે દારૂ નીકળવા લાગ્યો, જેનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હેન્ડપંપમાંથી નીકળતા દારૂનો આ મામલો ગુના જિલ્લાનો છે, જ્યાં ગેરકાયદેસર દારૂ હોવાની બાતમી પર પોલીસની ટીમ કાર્યવાહી માટે પહોંચી હતી. આ દરમિયાન તેમની નજર એક હેન્ડપંપ પર ગઈ, જ્યાં તેને ચલાવીને જોયું તો તેમાંથી દારૂ નીકળ્યો. તે હેન્ડપંપ પાસે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે નીચે દારૂ ભરેલો એક ડ્રમ હતો, જેમાં ગેરકાયદેસર રીતે દારૂનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે ગેરકાયદેસર દારૂ જપ્ત કર્યો છે. આમાં સંડોવાયેલા આરોપીઓને શોધીને કાર્યવાહી કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

મધ્યપ્રદેશમાં ગેરકાયદેસર દારૂ સામેની કાર્યવાહી તેજ થઈ રહી છે. શિવરાજ સિંહ ચૌહાણ સરકારના આદેશ પર પોલીસ-પ્રશાસનની ટીમ ડગ વિરુદ્ધ સતત કાર્યવાહીમાં લાગેલી છે. માત્ર ગુના જ નહીં રાજધાની ભોપાલ સહિત અનેક શહેરોમાં પોલીસ અભિયાન ચલાવી રહી છે. આ પહેલા શનિવારે રાત્રે ભોપાલમાં ગેરકાયદેસર દારૂ પીરસતી હુક્કા લાઉન્જ અને રેસ્ટોરન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ ટીમે ઓપરેશન પ્રહાર અંતર્ગત ગેરકાયદેસર હુક્કાની લોજ પર દરોડો પાડ્યો હતો.

Niraj Patel