ખબર

માનવતા મરી પડી: અમદાવાદમાં આ હોસ્પિટલના કર્મચારીએ મૃત્યુનો પણ મલાજો ના જાળવ્યો, કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના દાગીના ચોરી લેતો

કોરોના સંક્રમણના કારણે આખી દુનિયાની અંદર હાહાકાર મચી ગયો છે. આ વાયરસના કારણે લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના સંક્રમણના કારણે ઘણા લોકો મૃત્યુ પામી રહ્યા છે.

આ મહામારીના સમયમાં જ્યાં સંવેદના બતાવવાની હોય ત્યાં કેટલાક લોકો મૃત્યુનો મલાજો પણ નથી જાળવતા. એવો જ કિસ્સો અમદાવાની સિવિલ હોસ્પિટલના કર્મચારીનો સામે આવ્યો છે. જેને કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓના દાગીના પણ ચોરી લીધા હતા.

સાહિલ ઉર્ફે ભુરીયો મકવાણા નામનો આ વ્યક્તિ 1200 બેડની કોરોના હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે કામ કરતો હતો. પોલીસ તેની ધરપકડ કરી લીધી છે અને શાહીબાગ પોલીસની કસ્ટડીમાં છે.

આ ઘટના ત્યારે સામે આવી જયારે 11 તારીખના રોજ મોહિનીબેનના નિધન થયા બાદ તેમની 4 ટોળાની સોનાની બે બંગડી ચોરી થઇ હતી. જેની ફરિયાદ મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને તપાસમાં સાહિલની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે ઝડપી પાડેલ આરોપી સોહીલ સિવિલ હોસ્પિટલની અંદર કોન્ટ્રાકટ ઉપર કામ કરતો હતો. જે દિવસે સાહિલે ચોરીને અંજામ આપ્યો તે દિવસે સાહિલની ડ્યુટી મૃતદેહને તેમના પરિવારને સોંપવાની હતી. જયારે તે મૃતદેહને લિફ્ટમાં લઈને ઉતરી રહ્યો હતો ત્યારે તેને ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે 1.60 લાખની કિંમતની સોનાની બંગડી કબ્જે કરી લીધી છે.

આવી ઘટના પહેલી વખત નથી બની. આ પહેલા પણ શાહીબાગ પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેને ચાર ચોરી કરવાની કબૂલાત પણ કરી હતી. પોલીસ હવે સાહિલની ધરપકડ કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં અન્ય કોઈ ચોરી થઇ છે કે નહિ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.