પીએમ મોદીની માતા હીરાબેનનું નિધન શુક્રવારે સવારે અમદાવાદની હોસ્પિટલમાં થયુ હતુ. હીરાબાની ઉંમર 100 વર્ષ હતી. પીએમ મોદીની માતા હીરાબેનનું બુધવારના રોજ તબિયત બગડી હતી, તે બાદ તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માતાને દાખલ કરાયા હોવાની જાણ થતા જ પીએમ મોદી બુધવારે બપોરે અમદાવાદ આવ્યા હતા અને માતાની સ્વાસ્થ્ય વિશેની માહિતી ડોક્ટર પાસે લીધી હતી.
પીએમ મોદી હોસ્પિટલમાં સવા કલાક રોકાયા બાદ રવાના થયા હતા. જો કે, આજે તેમને માતાના નિધનની જાણ થતા તેઓ સવારે અમદાવાદ પહોંચ્યા હતા અને પછી ભાઇ પંકજમોદીના ઘરે ગયા હતા. અહીં જ હીરાબાનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, પીએમ મોદીના જીવનમાં માતાનું ખૂબ જ મહત્વ છે. ગુજરાતમાં તેઓ જ્યારે પણ આવે ત્યારે માતાને મળવા માટે અચૂક તેમના ઘરે જાય છે.
આ ઉપરાંત તેઓ માતાના જન્મદિવસે અને તેમના પોતાના જન્મદિવસે માતાના આશીર્વાદ લેવા અચૂક પહોંચે છે. ત્યારે પીએમ મોદીએ માતાના 100મા જન્મદિવસે તેમના સોનેરી સંઘર્ષની વાતો જણાવી હતી, જે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની માતૃશ્રી હીરાબાના જન્મદિવસે વહેલી સવારે આશીર્વાદ લેવા તેમના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતાના ચરણ ધોઈ અને આશીર્વાદ લીધા હતા અને હીરાબાને સ્વસ્થ તેમજ દીર્ઘાયુ જીવનની શુભેચ્છા પાઠવી હતી.
આ દરમિયાન પીએમ મોદી ભાવુક પણ થઇ ગયા હતા અને તેમણે પોતાના બ્લોગની અંદર માતા વિશે ખુબ જ સુંદર વાત પણ લખી હતી. પીએમ મોદીએ બ્લોગમાં લખ્યું “મા કે માતા – શબ્દકોશમાં ફક્ત એક શબ્દ નથી. આ શબ્દમાં તમામ પ્રકારની લાગણીઓ સમાઈ જાય છે – પ્રેમ, ધૈર્ય, વિશ્વાસ વગેરે. દુનિયાભરમાં કોઈ પણ દેશ કે વિસ્તારમાં બાળકો તેમની માતા પ્રત્યે વિશેષ લાગણી ધરાવે છે. માતા તેના બાળકને જન્મ આપવાની સાથે તેમની પ્રથમ ગુરુ પણ છે. માતા બાળકના માનસનું, તેના વ્યક્તિત્વનું ઘડતર કરે છે અને તેને આત્મવિશ્વાસ આપે છે.
આ પ્રક્રિયામાં માતા પોતાની અંગત જરૂરિયાતો અને આકાંક્ષાઓનો નિઃસ્વાર્થપણે ત્યાગ કરે છે.”પીએમ મોદીએ આજના દિવસની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, “આજે હું બહુ ખુશ છું. મારી લાગણીને તમારી સાથે વહેંચતા વિશેષ આનંદ થાય છે કે, મારી માતા શ્રીમતી હીરાબા તેમના 100માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. જો આજે મારા પિતા હયાત હોત, તો તેમણે પણ ગયા અઠવાડિયે તેમના 100મા જન્મદિવસની ઉજવણી કરી હોત. વર્ષ 2022 એક વિશેષ વર્ષ છે, કારણ કે મારી માતાનાં જીવનનું 100મું વર્ષ શરૂ થઈ રહ્યું છે
અને મારા પિતાએ 100મું વર્ષ પૂર્ણ કર્યું હોત.”પોતાની માતાના સંઘર્ષના દિવસો યાદ કરતા પીએમ મોદીએ લખ્યું કે, “મારી માતાનો જન્મ ગુજરાતના મહેસાણાના વિસનગરમાં થયો હતો, જે મારા વતન વડનગરની નિકટ છે. તેમને તેમની પોતાની માતાનો પ્રેમ મળ્યો નહોતો. નાની વયે તેમણે મારા નાનીને સ્પેનિશ ફ્લૂ મહામારીમાં ગુમાવી દીધા હતા. તેમને મારી નાનીનો ચહેરો પણ યાદ નથી. તેમની પાસે મારી નાનીમાના ખોળામાં પસાર થયેલી બાળપણની યાદો પણ નથી. મારા માતાએ તેમનું સંપૂર્ણ બાળપણ તેમની માતા વિના પસાર કર્યું હતું.
“આપણા બધાને જે લાડકોડ મળ્યાં છે, તેનો અનુભવ મારી માતા મેળવી શકી નહોતી. જેમ આપણે આપણી માતાના ખોળામાં નિશ્ચિંત થઈને સૂતાં હતાં, તેમ મારી માતા તેમની માતાના ખોળામાં એ દૈવી અહેસાસ મેળવી શક્યાં નહોતાં. મારી માતા શાળામાં અભ્યાસ માટે પણ જઈ શક્યાં નહોતા એટલે સ્વભાવિક છે કે, તેમને લખતાં-વાચતાં આવડ્યું નથી. તેમનું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું અને તમામ પ્રકારના સુખભોગ કે લાડકોડથી વંચિત રહ્યાં હતાં. આજની સરખામણીમાં મારી માતાનું બાળપણ બહુ જટિલ સ્થિતિ સંજોગોમાં પસાર થયું હતું.
કદાચ, કુદરતે તેમની આ જ નિયતિ ઘડી હતી. મારા માતા પણ માને છે કે, ઈશ્વરને ગમ્યું એ ખરું. પણ પોતાની બાલ્યાવસ્થામાં માતાને ગુમાવવી, પોતાની માતાનો ચહેરો જોવાનું પણ નસીબમાં ન હોવું એ હકીકતનું આજે પણ તેમને દુઃખ છે.”આ પ્રકારના સંઘર્ષ અને જટિલ સ્થિતિ સંજોગોને કારણે મારી માતાને બાળપણ માણવા મળ્યું જ નહોતું – તેમને ઉંમર કરતાં વધારે પરિપક્વ થવાની ફરજ પડી હતી. તેમના પરિવારમાં તેઓ સૌથી મોટું સંતાન હતાં અને લગ્ન પછી અમારા પરિવારમાં તેઓ સૌથી મોટી વહૂ બન્યાં હતાં.
પોતાના બાળપણમાં તેમણે સંપૂર્ણ પરિવારની જવાબદારી ઉઠાવી હતી અને તમામ પ્રકારની કામગીરી સારી રીતે પાર પાડતાં શીખી ગયા હતા. લગ્ન પછી પણ તેમણે અમારા પરિવારમાં તમામ જવાબદારીઓ ઉઠાવી લીધી હતી. ઘણી જવાબદારીઓ અને રોજિંદા સંઘર્ષો હોવા છતાં મારી માતાએ ધીરજ અને મક્કમ મનોબળ સાથે સંપૂર્ણ પરિવારને એકતાંતણે જોડી રાખ્યો છે.અમારું કુટુંબ વડનગરમાં એક નાનાં ઘરમાં રહેતું હતું, જેમાં એક બારી પણ નહોતી. શૌચાલય કે બાથરૂમ જેવી સુખસુવિધાની વાત જ કેવી રીતે થાય !
અમે અમારા ઘરને એક-રૂમનું ટેનામેન્ટ કહેતાં હતાં, જેમાં માટીની દિવાલો હતી અને છત પર નળિયા હતાં. એવું હતું અમારું ઘર. તેમાં અમે બધા – મારા માતા-પિતા, મારા ભાઈ-બહેનો અને હું રહેતાં હતાં.મારા પિતાએ વાંસની લાકડીઓ અને લાકડાનાં પાટિયાઓમાંથી એક મચાન કે મંચ બનાવી દીધો હતો, જેથી મારી માતાને રસોઈ બનાવવામાં સરળતા રહેતી. આ અમારું રસોડું હતું. મારી માતા રાંધવા માટે તેના પર ચડી જતી અને આખો પરિવાર એના પર બેસીને એકસાથે જમતો હતો. સામાન્ય રીતે, અછત કે અભાવ તણાવ જન્માવે છે.
જો કે મારા માતા-પિતા પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ જાળવી રાખવા રોજિંદા સંઘર્ષની ક્યારેય ચિંતા કરતાં નહોતાં. મારા માતા-પિતાએ સમજી વિચારીને તેમની જવાબદારીઓ વહેંચી લીધી હતી અને તેમને પૂરી કરતાં હતાં.જેમ ઘડિયાળ સતત આગળ ચાલે, તેમ મારા માતા-પિતા તેમનું કર્તવ્ય અદા કરતાં, મારા પિતા સવારે ચાર વાગ્યે કામ પર જવા નીકળી જતાં હતાં. તેમના પગલાંની છાપ પડોશીને કહેતી કે, સવારના ચાર વાગ્યા છે અને દામોદર કાકા કામ માટે ગયા છે. તેમનો અન્ય એક નિયમ હતો –
પોતાની ચાની નાની કિટલી ખોલતાં અગાઉ ગામના મંદિરમાં દર્શન કરવા જવું. માતા પણ એટલી જ ચીવટ ધરાવતાં હતાં. તેઓ પણ મારા પિતા સાથે જાગી જતાં હતાં અને સવારે જ ઘણા કામ પૂરાં કરતાં હતાં. અનાજ દળવાથી લઈને ચોખા અને દાળની ચાળવી – તેમાં તેમને કોઈની મદદ મળતી નહોતી. તેઓ કામ કરતાં જાય અને સાથે સાથે તેમના મનપસંદ ભજનો અને કિર્તનો ગણગણતા જાય. તેમને ગુજરાતના આદિ કવિ નરસિંહ મહેતાનું એક ભજન બહુ પ્રિય હતું – ‘જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.’
તેમને ‘શિવાજીનું હાલરડું’ પણ પસંદ હતું.માતાએ ક્યારેય અપેક્ષા રાખી નહોતી કે, અમે, બાળકો અમારો અભ્યાસ પડતો મૂકીને તેમના ઘરકામમાં મદદ કરીએ. તેમણે અમને ક્યારેય મદદ કરવાનું કહ્યું પણ નહોતું. જોકે તેમને મહેનત કરતાં જોઈને અમે તેમને મદદ કરવાની અમારી ફરજ ગણતાં હતાં. મને અમારા ગામના તળાવમાં તરવાની બહુ મજા પડતી હતી. એટલે હું ઘરેથી બધા ગંદા કપડાં તળાવે લઈ જતો અને ત્યાં ધોતો. મારા માટે આ એક પંથ દો કાજ જેવું થઈ જતું – ઘરના કપડાં ધોવાઈ જતાં અને મારો તરવાનો શોખ પૂરો થતો.
અમારા ઘરનો ખર્ચ પૂર્ણ કરવા મારી માતા થોડા ઘરોમાં વાસણો માંજવાનું કામ કરતાં હતાં. તેઓ અમારાં કુટુંબની અતિ ઓછી આવકમાં પૂરક બનવા ચરખો ચલાવવા પણ સમય કાઢતાં હતાં. તેઓ કાલાં ફોલવાથી લઈને રૂ કાંતવા સુધીનું કામ કરતાં હતાં. આ અતિ શ્રમદાયક કામમાં પણ તેમની મુખ્ય ચિંતા એ રહેતી કે કપાસના અણીદાર કાંટા અમારા શરીમાં ઘૂસી ન જાય.મારી માતા આત્મનિર્ભર હતાં, સ્વાશ્રયી હતાં. પોતાનું કામ અન્ય લોકોને કરવાની વિનંતી ક્યારેય કરી નથી. ચોમાસામાં અમારા માટીના ઘરમાં ઘણી સમસ્યાઓ ઊભી થતી.
જોકે માતા ખાતરી કરતી હતી અમને ઓછામાં ઓછી તકલીફ પડે. જૂન મહિનામાં ચામડી બાળી નાંખે એવી ગરમીમાં તેઓ છત પર ચડીને નળિયાઓ રિપેર કરતા હતા. જોકે તેઓ સાહસિક પ્રયાસો કરે તેમ છતાં અમારું જૂનું ઘર ચોમાસામાં વરસાદ સામે ટકી શકે એમ નહોતું. ચોમાસામાં વરસાદ દરમિયાન અમારી છતમાંથી પાણી ટપકતું હતું અને ઘરમાં પાણી ભરાઈ જતું. માતા વરસાદના પાણીને ભેગું કરવા છતની નીચે ડોલ અને વાસણો મૂકતી હતી. આ પ્રતિકૂળ સ્થિતિ સંજોગોમાં પણ માતાનું મનોબળ મક્કમ જળવાઈ રહેતું.
તમને જાણીને નવાઈ લાગશે કે, તેઓ આ પાણીનો આગામી દિવસોમાં ઉપયોગ કરતાં હતાં. વરસાદના પાણીના સંચયનું આનાથી વધારે સારું ઉદાહરણ બીજું કયું હોઈ શકે!માતાને ઘરને સુશોભિત કરવું ગમતું હતું એટલે ઘરની સાફસફાઈ કરવા અને એને સુંદર રીતે સુશોભિત કરવા સારો એવો સમય આપતાં હતાં. તેઓ ભોંયતળિયે ગાયના છાણની ગાર કરતાં હતાં. જ્યારે બળે છે, ત્યારે ગાયનું છાણ બહુ ધુમાડો પેદા કરે છે. માતા અમારા બારી વિનાના ઘરમાં આ છાણાનો ઉપયોગ કરીને રસોઈ બનાવતાં!
ધુમાડાની મેશથી દિવાલો કાળી પડી જતી અને તેને નવેસરથી સફેદી કરવાની જરૂર પડતી. દર થોડા મહિને આ કામ પણ મારી માતા જ કરતી હતી. એનાથી અમારુ જૂનું મકાન નવા જેવું થઈ જતું. તેઓ ઘરને સજાવવા નાનાં નાનાં માટીના દીવડા પણ બનાવતાં હતાં. તેઓ ઘરની જૂની ચીજવસ્તુઓનો નવેસરથી ઉપયોગ કરવાની ભારતીયોની જાણીતી ટેવમાં કુશળ હતાં. મને મારી માતાની અન્ય એક વિશિષ્ટ ટેવ પણ યાદ આવે છે. તેઓ પાણી અને આમલીના બીજમાં જૂનાં કાગળ બોળીને ગુંદર જેવી લુબદી બનાવતાં હતાં. તેઓ આ લુબદી સાથે દિવાલ પર કાચના ટુકડાં ચીપકાવીને સુંદર ચિત્રો બનાવતાં હતાં.
તેઓ દરવાજા પર લટકાવવા બજારમાંથી નાની નાની સુંદર ચીજવસ્તુઓ પણ લાવતાં હતાં. માતા ખાસ એ વાતની કાળજી રાખતી હતી કે, પથારી સ્વચ્છ હોવી જોઈએ અને બરોબર પાથરેલી હોવી જોઈએ. તેઓ પથારીમાં એક પણ રજકણ ચલાવી ન લે. નાની સરખી સળ પડતાં ચાદરને ઝાપટવી અને ફરી પાથરવી. અમે બધા તેમની આ ટેવથી પરિચિત હતાં અને પથારીમાં જરાં પણ સળ ન પડે એનું ધ્યાન રાખતાં. આજે પણ આ ઉંમરે માતાને અપેક્ષા હોય છે કે, તેમની પથારીમાં એક પણ કરચલી ન હોવી જોઈએ!અત્યારે પણ તેમના સ્વભાવમાં એવી જ ચીવટ જોવા મળે છે. તેઓ ગાંધીનગરમાં મારા ભાઈ અને મારા ભત્રીજાઓની સાથે રહેવા છતાં આજે પણ આ ઉંમરે તેમનું કામ તેમની રીતે કરવાનો પ્રયાસ કરે છે.”