ગુજરાતના ST ડ્રાઈવરનું રાષ્ટ્રપતિના હાથે થયું સન્માન, 27 વર્ષની ફરજમાં એક પણ અકસ્માત નહિ કે નથી લીધી એક પણ રજા, તેમની કર્તવ્ય નિષ્ઠા જોઈને ગદગદ થઇ જશો

ગુજરાતનો ST ડ્રાઈવર: 27 વર્ષની નોકરીમાં એક પણ રજા નહિ, એક પણ અકસ્માત નહિ અને 4 ટેન્કર જેટલા ડીઝલની બચત કરનારા વડનગરના આ ડ્રાઈવરનું રાષ્ટ્રપતિએ કર્યું સન્માન

મોટાભાગે આપણે સરકારી કામકાજમાં લાલીયાવાડી થતી જોઈ હશે. મોટાભાગના સરકારી કર્મચારીઓ પોતાનું કામ નિષ્ઠાથી નથી કરતા. પરંતુ ઘણા કર્મચારીઓ એવા પણ હોય છે જે સાચી નિષ્ઠાથી કામ કરે છે, ભલે તેમને કોઈ યશ ના મળે કે ના કીર્તિ મળે, છતાં પણ નિષ્પક્ષ પોતાનું કામ કરતા રહેતા હોય છે. મોટાભાગના લોકો સરકારી બસમાં જરૂર બેઠા હશે અને બસના ડ્રાઈવરને પણ જોયા હશે.

ઘણા એવા ડ્રાઈવર હોય છે જે પુરપાટ ઝડપે બસ ચલાવે છે. અવાર નવાર સમાચારમાં પણ બસ દ્વારા અકસ્માત થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ હાલ એક ખબર એવી સામે આવી છે જેને જાણીને તમને પણ નવાઈ લાગશે. આપણા ગુજરાત એસટી બસમાં એક એવા ડ્રાઈવર છે જેમને છેલ્લા 27 વર્ષમાં એક પણ અકસ્માત નથી સર્જ્યો.

જાણીને જ નવાઈ લાગે પરંતુ આ સાચી હકીકત છે. ખાસ વાત તો એ પણ છે કે તેમને 27 વર્ષમાં એક રજા પણ નથી લીધી અને નિયમિત પોતાની ફરજ નિભાવી છે. આ ડ્રાઈવરનું નામ છે પીરુભાઈ મીર. જે મૂળ વડનગરના વતની છે અને હાલ ખેરાલુ ડેપોમાં ફરજ બજાવી રહ્યા છે. જેમની ઉંમર 58 વર્ષની છે. પીરુભાઈની ફરજ દરમિયાન તેમના પર કોઈ ખાતાકીય તપાસ પણ નથી થઇ.

આ ઉપરાંત તેમને પોતાના 27 વર્ષની ફરજ દરમિયાન એક પણ રજા લીધા વિના અને સૂઝબૂઝથી બસ ચલાવી અત્યાર સુધીમાં ચાર ટેન્કર જેટલા ડીઝલની બચત કરી ચૂક્યા છે.  આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી તેઓની રાષ્ટ્રીયકક્ષાના એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. જેના બાદ તેમને 18 એપ્રિલના રોજ દિલ્હીમાં રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ આપવામાં આવવાનો હતો.

પીરુભાઈ મીરનું ગઈકાલે દિલ્હીમાં યોજાયેલા એક ખાસ સમારંભમાં રાષ્ટ્રપતિના હાથે રોડ સેફટી એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ સમગ્ર ઘટના આખા ગુજરાત માટે એક ગૌરવપૂર્ણ ઘટના છે. પીરુભાઈને લોકો આ એવોર્ડને લઈને શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે, સાથે જ તેમને ડ્રાઈવિંગ કરતા લોકોને એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ પણ પૂરું  પાડ્યું છે.

જયારે આ એવોર્ડ માટે પીરુભાઈની પસંદગી થઇ ત્યારે તેમને દિલ્હીથી ફોન કરવામાં આવ્યો હતો. ત્યારે પીરુભાઈને જણાવવામાં આવ્યું કે 18 એપ્રિલના રોજ તેમને દિલ્હી હાજર રહેવાનું છે અને રાષ્ટ્રપતિના હાથે તેમનું સન્માન કરવામાં આવશે. પરંતુ ત્યારે તેમને એમ લાગ્યું કે કોઈ મજાક કરી રહ્યું છે. બીજીવાર પણ તેમને ફોન ના ઉઠાવ્યો. જેના બાદ તે ડેપોમાં ગયા અને તેમને સાચી હકીકતની જાણ થઇ.

Niraj Patel