Paytm પેમેન્ટ બેંક બંધ થઇ ગયા પછી શું થશે તમારા પૈસાનું ? કંપનીએ હવે અસલી વાત જણાવી દીધી

Paytm પેમેન્ટ્સ બેંકે 2 ફેબ્રુઆરીએ પોતાના કસ્ટમર્સને કહ્યુ કે તેમના પૈસા પુરી રીતે સુરક્ષિત છે. કોઈપણ મદદ માટે તમે અમારો 24×7 સંપર્ક કરી શકો છો. તમારો આભાર. કંપની તરફથી આ સંબંધમાં પોતાના કસ્ટમર્સને મેઇલ પણ મોકલવામાં આવ્યો છે. આ જાણકારી ત્યારે સામે આવી જ્યારે બે દિવસ પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કંપની પર ક્રેડિટ ટ્રાન્જેક્શન અને કોઇ પણ રીતની ડિપોઝિટ લેવા પર રોક લગાવી દીધી. એવામાં Paytm 29 ફેબ્રુઆરી બાદ બેંકિંગ સુવિધાઓ નહિ આપી શકે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ સામે કડક કાર્યવાહી કરી હતી. આ હેઠળ, 29 ફેબ્રુઆરી 2024 પછી કોઈપણ ગ્રાહક ખાતા, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, વોલેટ અને ફાસ્ટેગમાં ડિપોઝિટ અથવા ટોપ-અપ્સ સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું છે. Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ (PPBL) વિરૂદ્ધ આરબીઆઈના આ કડક પગલા પછી કંપનીના શેર બે દિવસમાં લગભગ 36 ટકા તૂટ્યા છે. માત્ર રોકાણકારો જ નહીં, પેટીએમના ગ્રાહકો પણ ડરી ગયા છે કે તેમના વોલેટમાં પડેલા પૈસાનું શું થશે.

આના પર, કંપનીએ ગ્રાહકોને મેઇલ મોકલીને જવાબ આપ્યો છે. ગ્રાહકોને મોકલવામાં આવેલા મેલમાં, કંપનીએ જણાવ્યું હતું કે આરબીઆઈના નિર્દેશોની તેમના વર્તમાન બેલેન્સ પર કોઈ અસર થશે નહીં. મેલમાં કહેવામાં આવ્યું હતું કે ગ્રાહકોના પૈસા કંપની પાસે સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ મેલમાં, ગ્રાહકોને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ 29મી ફેબ્રુઆરી પછી તેમના ખાતા/વોલેટમાં કોઈ પૈસા જમા કરાવી શકશે નહીં.

મેઇલમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 29 ફેબ્રુઆરી 2024 પછી પણ તમારા વર્તમાન ખાતામાંથી પૈસા ઉપાડવા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. આ પહેલા 11 માર્ચ 2022ના રોજ આરબીઆઈએ પેટીએમને નોટિસ જારી કરી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે તમારી પેમેન્ટ્સ બેંક નવા ગ્રાહકો ઉમેરી શકતી નથી. આરબીઆઈએ પેમેન્ટ બેંકની આઈટી ટીમ દ્વારા ઓડિટ કરવા માટે પણ કહ્યું હતું. આ ઓડિટ પછી આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું કે પેટીએમની પેમેન્ટ બેંકમાં ઘણી ખામીઓ જોવા મળી છે અને તેણે આરબીઆઈના નિયમોની અવગણના કરી છે.

આ પછી RBIએ વર્ષ 1949ના બેંકિંગ રેગ્યુલેશન એક્ટના સેક્શન 35Aનો ઉપયોગ કર્યો. આ અનુચ્છેદ હેઠળ RBI બેંકિંગ સેવાઓને સૂચનાઓ આપવાનો અધિકાર અનામત રાખે છે. આ અંતર્ગત RBIએ Paytm પેમેન્ટ્સ બેંક માટે નવો આદેશ જારી કર્યો છે. આ આદેશ જારી થતાં જ 1લી ફેબ્રુઆરીએ Paytmના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજાર ખુલતાની સાથે જ Paytm શેર્સ ધડામ થઇ ગયા હતા. કંપનીના શેરમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તેમાં લોઅર સર્કિટ પણ લાગી ગઇ હતી. કંપનીનો શેર 761 થી 609 પર આવી ગયો હતો.

Shah Jina