પાટણમાં અંધશ્રદ્ધાની આ તે કેવી ઘટના ? એક મહિલાએ સતના પારખા કરવા માટે પાડોશીની 11 વર્ષની દીકરીના હાથ ઉકળતા તેલમાં નંખાવ્યા

ભલે આજે આખી દુનિયા આધુનિકતા તરફ વળી ગઈ હોય, લોકો સ્માર્ટ ફોન વાપરી અને પોતાની જાતને સ્માર્ટ સમજી રહ્યા હોય પરંતુ આપણા દેશની અંદર હજુ પણ ઘણી જગ્યાએ અંધશ્રદ્ધા વ્યાપેલી છે, જેની ઘણી ઘટનાઓ અવાર-નવાર સાંભળવા પણ મળે છે, ત્યારે હાલ આવી જ એક અંધશ્રદ્ધાનું મોટું ઉદાહરણ પાટણમાંથી સામે આવ્યું છે, જ્યાં અંધશ્રદ્ધાને લઈને એક 11 વર્ષની માસુમ બાળકીના હાથ ઉકળતા તેલમાં નાખવામાં આવ્યા.

(પ્રતીકાત્મક તસવીર)

આ ઘટના બની છે પાટણ જિલ્લાના સાંતલપુરમાં. જ્યાં એક મહિલાને અજાણી વ્યક્તિ સાથે વાત કરતા જોઈ ગયેલી પડોશીની 11 વર્ષની બાળકીને ઘરમાં લઈ જઈ બીજા કોઈને વાત કરી નથી એની ખાતરી કરવા બાળકીના હાથને ઉકળતા તેલની અંદર નંખાવ્યા હતા. જેના બાદ દાઝી ગયેલી બાળકીને સારવાર માટે ધારપુરની સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી.

આ ઘટનાની જાણ થતા જ કિશોરીના પિતાએ પાડોશી મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલાને તેના ઘરે જ નજરકેદ કરી લીધી હતી. બાળકી પર અમાનુષી અત્યાચારની આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવી છે. જેના બાદ પોલીસે મહીલાની તેના ઘરેથી જ ધરપકડ કરી લીધી હતી.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર સાંતલપુર ખાતે રહેતા લવજીભાઈ કોળીની 11 વર્ષની દીકરી સંગીતા મંગળવારે સવારે 11 વાગ્યે ઘરે એકલી હતી ત્યારે પડોશમાં રહેતી લખીબેન રમેશભાઈ મકવાણા નામની મહિલાએ તેને ધમકાવતાં કહ્યું હતું કે “આજથી દસેક દિવસ પહેલાં તે મને અજાણી વ્યક્તિ સાથે મારા ઘરના દરવાજા પાસે વાત કરતાં જોઈ હતી. આ વાત તે કોઈને કીધી છે?”

જેના જવાબમાં બાળકીએ આ વાત કોઈને નથી જણાવી એમ કહ્યું હતું, પરંતુ લાખીબેનને તેની વાત ઉપર વિશ્વાસ ના આવતા સતના પારખા કરવા માટે બાળકીને ઘરની અંદર લઇ ગયા હતા અને ઉકળતા તેલની અંદર તેના હાથ નાખવા માટે જણાવ્યું હતું. જેથી દાઝી જવાની બીકથી સંગીતાએ તેલમાં હાથ નાખવાની ના પાડી હતી.

Image Credit

આ કારણે ગુસ્સે ભરાયેલા લખીબેને તેને ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, સંગીતા તેનાથી ડરીને ભાગી રહી હતી ત્યારે લાખીબેને સંગીતાના હાથને બળજબરીથી પકડી અને ચુલ્હા ઉપર ઉકળી રહેલા ગરમ ગરમ તેલમાં સંગીતાના હાથ નાખી દીધા હતા. જેનાથી દાઝી જવાના કારણે સંગીતાએ બુમાબુમ કરી મૂકી હતી, તેથી આસપાસના લોકો દોડી આવતા સંગીતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Niraj Patel