પાટણમાં રખડતા ઢોરનો આતંક, 4 મહિલાઓને ખુંટીયાએ લીધી અડફેટે, આટલી મહિલાઓના દુઃખદ મોત, લોકોમાં જાગ્યો આક્રોશ

ગુજરાતમાં રખડતા ઢોરનો તરસ સતત સામે આવી રહ્યો છે, હાઇકોર્ટની ફટકાર છતાં પણ સ્થિતિ હતી એવીને એવી જ બની રહી છે. રખડતા ઢોરના કારણે રોજ ઘણા અકસ્માત થતા હોય છે અને ઘણીવાર તો આવા અકસ્માતોમાં કોઈનો જીવ પણ ચાલ્યો જતો હોય છે. ત્યારે હાલ એવો જ એક મામલો પાટણમાંથી સામે આવ્યો છે, જ્યાં એક રખડતા ઢોરે ચાર મહિલાઓને અડફેટે લેતા 2 મહિલાઓના મોત થયા છે અને 2 મહિલાઓ ઘાયલ છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર પાટણના સરસવિટીના આઘર ગામની અંદર આ રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના બની છે, જેમાં એક આખલાએ ચાર મહિલાઓને પોતાની અડફેટમાં લીધી હતી. જેના બાદ 2 મહિલાઓના મોત થઇ ગયા અને બે મહિલાઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. ઘટના બાદ આસપાસના રહીશોમાં ઉગ્ર રોષ  જોવા મળ્યો હતો.

મીડિયા સાથે વાત કરતા ઈજાગ્રસ્ત મહિલાએ જણાવ્યું હતું કે વહેલી સવારે ગામમાંથી નીકળતા સમયે આ ઘટના બની હતી. એક આખલા સામેથી આવીને ફરી વળ્યો હતો અને અમને અડફેટે લઈને ઘાયલ કરી દીધા હતા. જેમાંથી બે મહિલાઓના તો મોત નિપજ્યા હતા અને બે મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. આ પહેલી ઘટના નથી જયારે રખડતા ઢોરે કોઈને અડફેટે લીધા હોય, આ પહેલા પણ ઘણીવાર આમ બની ચૂક્યું છે.

આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જન્મ્યો હતો. એડક વ્યક્તિએ જણાવ્યું હતું કે અગાઉ પણ આવી ઘટનાઓ બની ગઈ છે. અમારા ગામમાં જ 300થી 400 ઢોર રખડતા હોય છે, અને અવાર નવાર આવી ઘટનાઓ બનતી હોય છે. આ અંગે તંત્રને પણ ઘણીવાર રજૂઆતો કરવામાં આવી છે, તે છતાં પણ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું.

Niraj Patel