વિક્ટોરિયા તળાવમાં ક્રેશ થયુ પેસેન્જર વિમાન, 19ના મોત, 43 લોકો હતો સવાર

તાંઝાનિયામાં રવિવારના રોજ એક પેસેન્જર વિમાન અકસ્માતનો શિકાર બની ગયુ. આ વિમાનમાં 43 લોકો સવાર હતા. દુર્ઘટનાગ્રસ્ત પ્લેન વિક્ટોરિયા તળાવમાં ડૂબી ગયુ. આ અકસ્માતમાં 19 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ કાર્ય ચાલુ કરી દેવામાં આવ્યુ હતુ. બીબીસી ન્યૂઝ આફ્રિકાના અહેવાલ મુજબ, મવાંજાથી બુકોબા જઈ રહેલા વિમાનમાં 43 મુસાફરો સવાર હતા અને અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા હોવાનું બહાર આવ્યું છે.

તાંઝાનિયાની પોલીસે જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે રવિવારે વિક્ટોરિયા તળાવમાં પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. વિમાન ઉત્તર-પશ્ચિમ શહેર બુકોબામાં ઉતરવાનું હતું, તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. આ સાથે પોલીસે કહ્યું કે મુસાફરોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. તાંઝાનિયામાં ચાલી રહેલા મુસાફરોના બચાવ અભિયાન અંગે ટ્વિટ કરીને BNO ન્યૂઝે વીડિયો ટ્વિટ કર્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે વિમાન તળાવમાં ડૂબી ગયું છે. સુરક્ષા દળોની ટીમ બોટમાં બેસીને રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.

આ ઉપરાંત જે લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેઓ પણ તળાવના કિનારે ઉભા જોવા મળે છે. સ્થાનિક પોલીસે આ અંગે માહિતી આપી હતી. વિમાન એરપોર્ટથી લગભગ 100 મીટરના અંતરે પાણીમાં તૂટી પડ્યું હતું. પ્રાદેશિક કમિશનરે જણાવ્યું હતું કે 39 મુસાફરો, બે પાઇલટ, બે કેબિન ક્રૂ સહિત 43 લોકો વિમાનમાં સવાર હતા. વિમાને દેશની આર્થિક રાજધાની દાર એસ સલામથી ઉડાન ભરી હતી. તેમણે માહિતી આપી હતી કે 26 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

તાંઝાનિયાના સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યા છે તેમાં લોકો બોટ દ્વારા પ્લેનની નજીક આવતા અને બચાવ કામગીરી હાથ ધરતા દર્શાવે છે. પ્રિસિઝન એર એ તાન્ઝાનિયાની સૌથી મોટી ખાનગી એરલાઇન કંપની છે. એરલાઇન કંપનીએ એક નિવેદન જારી કરીને પ્લેન ક્રેશની પુષ્ટિ કરી હતી. પ્રિસિઝન એર આંશિક રીતે કેન્યા એરવેઝની માલિકીની છે. આ કંપનીની સ્થાપના 1993માં થઈ હતી. પાંચ વર્ષ પહેલા તાંઝાનિયામાં પ્રથમ વિમાન દુર્ઘટના ઘટી હતી, જેમાં 11 લોકોના મોત થયા હતા.

Shah Jina