સુરત: ધોળે દિવસે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો પાસ કન્વિનર અલ્પેશ કથીરિયા પર હુમલો

સુરતમાં PAAS નેતા અલ્પેશ કથીરિયાએ રિક્ષા સરખી ચલાવવાનું કહેતાં ઉશ્કેરાઈ ગયો રિક્ષાચાલક અને પછી કર્યો કથીરિયા પર હુમલો

ગુજરાતમાંથી ઘણીવાર કોઇ વ્યક્તિ કે પછી કોઇ નેતા કે એડવોકેટ પર હુમલા કરવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. છેલ્લા દિવસોમાં સુરતમાંથી એડવોકેટ મેહુલ બોધરા પર જીવલેણ હુમલો કરવાનો કિસ્સો સામે આવ્યો હતો, જેના પડઘા હજુ તો શમ્યા નથી ત્યાં વધુ એક હુમલાની ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)ના કન્વીનર અલ્પેશ કથીરિયા પર હુમલો થવાની ઘટના સામે આવી છે.

સવારે અલ્પેશ કથીરિયા હોસ્પિટલ ખાતે તેમની નજીકની વ્યક્તિની ખબરઅંતર પૂછવા માટે જઈ રહ્યા હતા ત્યારે કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતા સમયે રિક્ષાચાલકને રિક્ષા સરખી ચલાવવાનું તેઓએ કહ્યુ હતુ. આ દરમિયાન રિક્ષાચાલક ઉશ્કેરાઈ ગયો અને તેણે લાકડાના ફટકાના ત્રણ ઘા અલ્પેશ કથીરિયાને ઝીંકી દીધા હતા. જે બાદ ટોળું એકઠું થઈ ગયું હતું અને ટ્રાફિક પણ જામ થઇ ગો હતો. એકઠુ થયેલ ટોળું રિક્ષાચાલકને પકડવા દોડ્યું,

પરંતુ તે ભાગી ગયો હતો. સવારના સમયે કાપોદ્રા પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે અલ્પેશ કથીરિયા હોસ્પિટલ તરફ જવા નીકળ્યા હતા. આ સમયે અલ્પેશ કથીરિયા બાઈક પર સવાર હતા અને તેની આગળ રિક્ષા ચાલી રહી હતી. રિક્ષાચાલક રિક્ષાને બેફામ રીતે હંકારી રહ્યો હતો અને તે માટે કથેરિયાએ રિક્ષા રોકીને કહ્યું કે આવી રીતે કેમ રિક્ષા ચલાવે છે.

સરખી રીતે ચલાવ. રિક્ષાચાલકે કહ્યું કે ઊભો રહે, એમ કહીને રિક્ષામાંથી લાકડાનો ફટકો કાઢી તેને ત્રણ ઘા માર્યા હતા. જેને કારણે કથીરિયાને હાથમાં ઈજા પહોંચી હતી.પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર કાપોદ્રા વિસ્તારમાં જ હુમલો થતાં ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિકજામ થઈ ગયો હતો. તેને ઈજા થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો.

હાલ તો આ મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરી છે. અલ્પેશ કથીરિયા પર હુમલાના સમાચાર મળતા સમાજ બંધુઓ તેમજ સમર્થકો હોસ્પિટલ એકઠા થવા લાગ્યા છે.

Shah Jina