ફિલ્મ રીવ્યુ: આ શુક્વારે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘પર્વત’ કેવી છે? થિયેટરમાં જતા પહેલા આ રીવ્યુ જરૂર વાંચજો

વર્તમાન સમયની પરિસ્થિતિઓમાં પિતા-પુત્રીના સંબંધને નવીન પરિપ્રેક્ષ્યથી દર્શાવતી ફિલ્મ ‘પર્વત’ એક ઇમોશનલ સ્ટોરી સાથે સાથે પિતા-પુત્રી વચ્ચેનો બોન્ડ પણ રજૂ કરે છે. હિતુ કનોડિયા અને સપના વ્યાસ સ્ટારર આ ફિલ્મ સમાજના પરંપરાગત વિચારધારા સામે એક શક્તિશાળી સંદેશ આપે છે.હિતુ કનોડિયા અને સપના વ્યાસ બંનેનો અભિનય ખૂબ સરસ છે.

ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર એવા હિતુ કનોડિયાના અભિનયમાં લાગણીઓ અને કર્ણાતીત રીતે રજૂઆત જોવા મળે છે. સપના વ્યાસે ફિલ્મમાં સોફ્ટ અને મજબૂત પાત્રની વચ્ચે ખૂબ સારી રીતે બ્રિજ બનાવ્યો છે, જે દર્શકોને પાત્રોની ભાવનાઓ સાથે જોડવામાં સફળ થાય છે.

સ્ટોરીલાઇન : ફિલ્મની કહાની એક છૂટાછેડા લીધેલી પુત્રી (સપના વ્યાસ) અને તેના પિતા (હિતુ કનોડિયા)ની આસપાસ ફરે છે. પુત્રીના છૂટાછેડા બાદ સમાજ તેને વિવિધ રીતે મૂલવે છે, ત્યારે પિતા એક મજબૂત આધારસ્તંભ બનીને તેની સાથે દૃઢતાપૂર્વક ઊભા રહે છે. ફિલ્મ માત્ર કૌટુંબિક નાટક નથી, પરંતુ તે સામાજિક રૂઢિચુસ્તતા પર પણ પ્રકાશ પાડે છે.

આજે પણ, મહિલાઓની સફળતાને પુરુષોની સરખામણીમાં ઓછી આંકવામાં આવે છે, અને ‘પર્વત’ આ વિચારસરણીને પડકારે છે. ફિલ્મમાં પુત્રીના છૂટાછેડાનું કારણ શું હતું, અને પિતા તેને કેવી રીતે દરેક સમસ્યામાંથી માર્ગ બતાવે છે, તે જોવું રસપ્રદ છે.

રીવ્યુ : ‘પર્વત’ ફિલ્મ 1 કલાક અને 58 મિનિટની છે, અને શરૂઆતથી અંત સુધી તે પ્રેક્ષકોને જકડી રાખે છે. ફિલ્મની સૌથી મોટી તાકાત તેની કહાની છે, જે સરળ હોવા છતાં હૃદયસ્પર્શી છે. પટકથા સુગઠિત છે, અને ડાયલોગ અસરકારક છે. અભિનયની વાત કરીએ તો, સપના વ્યાસ અને હિતુ કનોડિયાની જોડી ફિલ્મને પ્રાણવાન બનાવે છે. બંને કલાકારોએ પોતાના પાત્રોને અત્યંત સહજતાથી ભજવ્યા છે. સપના વ્યાસનું ડેબ્યુ હોવા છતાં તેણે ક્યાંય ન્યુ કમરનો આભાસ થવા નથી દીધો.

હિતુ કનોડિયા ગુજરાતી સિનેમાનો પરિચિત ચહેરો છે, અને તેમણે હંમેશની જેમ ઉત્કृષ્ટ અભિનય કર્યો છે. ફિલ્મમાં બોલિવુડ એક્ટ્રેસ પરવીન બાબીના વંશજ Aehtesham Babi છે જે સપના વ્યાસના પતિનો રોલ નિભાવી રહ્યા છે. મોના થિબા, વૈશાલ શાહ, અરવિંદ વેગડા, અક્ષત ઈરાની અને મકરંદ શુક્લા પણ સહાયક ભૂમિકાઓમાં પ્રભાવશાળી રહ્યા છે.

ડિરેક્શન : ફિલ્મનું ડિરેક્શન અત્યંત સુંદર છે. આસિફ સિલાવટનું દિગ્દર્શન પણ પ્રશંસનીય છે. તેમણે ફિલ્મની કથાને અત્યંત સુંદર રીતે રજૂ કરી છે. ફિલ્મનો પ્રથમ ભાગ સારો છે, પરંતુ દ્વિતીય ભાગ વધુ પ્રભાવશાળી છે. સુબ્રત કુમારે અમદાવાદના પ્રસિદ્ધ સ્થળોને અત્યંત સુંદર રીતે કેમેરામાં કેદ કર્યા છે. વિશેષ કરીને, અટલ બ્રિજ, પતંગ હોટેલ અને ક્લબ બેબીલોનના દૃશ્યો આકર્ષક છે. રોનકનું સંગીત ફિલ્મના મૂડને અનુરૂપ છે.

ફિલ્મના ગીતો કર્ણપ્રિય છે, અને પાર્શ્વ સંગીત પણ પ્રભાવશાળી છે. ચરમસીમાએ હિતુ કનોડિયા જે સંદેશ આપે છે તે અત્યંત પ્રેરણાદાયી છે, અને તે આજની પેઢી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ફિલ્મમાં પિતા અને પુત્રીના સંબંધને અત્યંત ભાવનાત્મક રીતે ચિત્રિત કરવામાં આવ્યો છે, જે પ્રેક્ષકોને ભાવવિભોર કરી દે છે. ફિલ્મનું ડિસ્કો ગરબા ગીત તો ખૂબ જ જોરદાર છે, જે દર્શકોને નાચવા માટે મજબૂર કરી દે છે. આગીત નકાશ અઝીઝે ગાયુ છે, ને રક્ષિત વ્યાસે કોરિયોગ્રાફ કર્યુ છે.

‘પર્વત’ એક ઉત્કૃષ્ટ ગુજરાતી ફિલ્મ છે જે પ્રેક્ષકોને નિશ્ચિતપણે પસંદ આવશે. આ ફિલ્મમાં એક મહત્વપૂર્ણ સંદેશ છે, અને આ ફિલ્મ પરિવાર સાથે માણવા યોગ્ય ફિલ્મ છે. એકવાર તો આ ફિલ્મને થિયેટરમાં જઇ જોવી જોઇએ.

Shah Jina