સુરતમાં પરિવારની વ્હાલસોયી 14 વર્ષની દીકરીએ ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવ્યું, પરિવાર માથે તૂટ્યો દુઃખોનો પહાડ

છેલ્લા કેટલાક સમયથી દેશભરમાંથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, ગુજરાતમાં પણ આપઘાતના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને નાની ઉંમરના બાળકો પણ હવે નાની નાની વાતમાં લાગી આવતા આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે.

ત્યારે હાલ એક એવી જ ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતના પાંડેસરામાં એક 14 વર્ષની વિદ્યાર્થિનીએ ઘરમાં ગળે ટુંપો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લેવાની ઘટના બની છે. આ ઘટના બાદ પરિવાર માથે દુઃખોનું આભ તૂટી પડ્યું છે. પરિવારના ત્રણ સંતાનોમાં બીજા નંબરની દીકરીના આપઘાતને લઈ અનેક સવાલો પણ ઉભા થયા છે.

આ બાબતે મૃતક દીકરીની માતાએ જણાવ્યું હતું કે, “બપોરના ભોજન બાદ સૂઈ ગયા અને સાંજે ઉઠ્યા તો ઘર આંગણે બેઠી હતી ત્યારે એકની એક દીકરીએ ઘરને અંદરથી બંધ કરી મોતને વ્હાલું કરી લીધું આવું કરવા પાછળનું કોઈ કારણ જ ન કહ્યું.”  કિશોરીએ મંગળવાર સાંજે પોતાના જ ઘરમાં માતાના રૂમમાં દુપટ્ટા લઈ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.

માતાનું ધ્યાન જતાં તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે કિશોરીને મૃત જાહેર કરી હતી. જેના બાદ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના બાબતે પાંડેસરા પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ ઘટના બાબતે પરિવારે જણાવ્યું હતું કે 14 વર્ષની એકની એક દીકરી ધોરણ-7માં અભ્યાસ કરતી હતી. આજથી શાળાએ જવાની હોવાથી એની તૈયારી કરતી હતી. મંગળવારની બપોરે ભોજન કરી આખો પરિવાર આરામ કરવા ચાલી ગયા હતું. ત્યારબાદ સાંજે 4 વાગે જાગીને ઘર આંગણે બેઠાં હતા. ત્યારે થોડીવાર બાદ નાના દીકરાએ બંધ દરવાજો ન ખોલતી બહેનને લઈ બુમાબુમ કરતા બધા દોડી આવ્યા હતા. દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા દીકરી લટકતી મળી આવી હતી.

Niraj Patel