પાલનપુરમાંથી સામે આવ્યો ફિલ્મની કહાનીને ટક્કર મારે તેવો કિસ્સો, કિંમતી ઝવેરાત જેની કિંમત કરોડ રૂપિયા છે તેની થઇ ચોરી

ઘણીવાર અસલ જીવનમાં ફિલ્મોની કહાની જેવી ઘટનાઓ બનતી હોય છે અને તેને સાંભળીને આપણે ચોંકી જઇએ છીએ. ત્યારે એક ફિલ્મની કહાની જેવી ઘટના ગુજરાતના પાલનપુરમાં જોવા મળી છે. જયાં સાત દાયકા જૂના મણિભુવન બિલ્ડિંગના ભોયરામાં સ્થિત 50 વર્ષ સુધી રહેલ અંદાજે 45 કરોડ રૂપિયાની કિંમતી વસ્તુઓની ચોરીની ઘટના સામે આવી છે. કથિત ચોરીની ફરિયાદ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. આ અરજી મુંબઇની લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટીના પુત્ર પ્રશાંત કિશોર મહેતાએ દાખલ કરી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

બનાસકાંઠાના પોલીસ અધિક્ષકે આ મામલે સમગ્ર કેસની તપાસ LCBને સોંપવાના આદેશ કર્યા છે. કેસની વિગત તપાસીએ તો, ઘણા વર્ષો પહેલા મહેતાના દાદાએ બનાસકાંઠાના પાલનપુરમાં ગરીબો માટે એક ચેરિટી હોસ્પિટલ, મણિભુવન બનાવ્યુ હતુ અને આના ભોયરામાં એક તિજોરી હતી. જેમાં દાદાએ કરોડો રૂપિયાની કિંમતના હીરા ઝવેરાત અને અનેક કિંમતી વસ્તુઓ રાખી હતી. આ અંગે પોલિસે FIR નોંધે તેવી માંગ સાથે લીલાવતી કિર્તીલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રશાંત મહેતાએ કરેલી અરજી પર બુધવારના રોજ સુનાવણી થઇ હતી.

આ કેસમાં ફરિયાદીએ એવો આરોપ મૂક્યો છે કે, આ કેસના તપાસમાં થોડી ઢીલાશ રાખવામાં આવી રહી છે. મણીભુવનના સંચાનલ સાથે સંકળાયેલા હતા તેઓએ જ વર્ષ 2019માં રિનોવેશન દરમિયાન આ સેલ્ફવોલ્ટને તોડ્યુ છે. તે લોકોએ રૂ .45 કરોડની વસ્તુઓ ચોરી કરી હતી. આ આરોપ ફરિયાદી દ્વારા મૂકવામાં આવ્યો છે. આ અંગે પહેલા એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે તપાસના ભાગરૂપે લીલાવતી હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. પરંતુ પાછળથી કેટલાક કારણોસર, તપાસ કથિત રીતે રદ કરવામાં આવી હતી.

લોકોમાં હવે આ મામલે ચર્ચા એવી છે કે આ 45 કરોડનો આંકડો કેવી રીતે નક્કી કરાયો છે. આ બધી ચીજવસ્તુઓ તો જૂની છે અને હીરા હોય કે સોનાના ઝવેરાત હાલ તો તેના ભાવ આસમાને પહોંચેલ છે તેવા સંજોગોમાં આ ચીજોની કિંમત તો ઘણી મોટી થાય. અરજદારને 20 ઓગષ્ટે ફોટા સાથે એક કવર મળ્યું હતુ. જેમાં લખ્યું હતું કે, મણીભુવનમાં રહેલું સેફવોલ્ટ તોડવામાં આવેલું છે. ત્યાર બાદ, અરજદારે આ મુદ્દે તપાસ કરતા મણીભુવનની દેખરેખ રાખતા કુમાર પટેલે આ અંગે જાણ કરી હતી.

ચોરાયેલા કિંમતી સામાનની યાદી જોઇએ તો, 3.5 કિલો સોનાના દાગીના, બરોડાના રાજાનો 8.5 કેરેટનો ગુલાબી હીરો, બરોડાના મહારાજાનો કડો, ચાંદીનો થાળ, પન્નાનો હાર, માણેકના 10 બટન, પીળા રંગનો નવ કેરેટનો હીરો, ચાંદીના નાના કપ નવ નંગ, ચાંદીના 10 કપ, ભગવાનનુ ચાંદીનુ સિંહાસન, ચાંદીની 8 નાની રિંગ, ચાંદીના 3 મોટા લોટા, 1 મોટો જગ, મોટો પ્યાલો, પાંચ નાની મોટી થાળ, 2 લોટા, 9 નાની થાળી, 2 નાની જારી પેટી પાંચ કિટલી, બે મંદિરના પતરા, મંદિરનો ઘુંમટ, નાનો ડબ્બો, ભગવાનનો પૂજાનો સામાન, 3 પ્યાલા ફૂલદાની અને તેનો ડબ્બો.

મણીભુવનના સંચાલન સાથે સંકળાયેલા રશ્મી મહેતા, ચેતન મહેતા, ભાવિન મહેતા, રેખા શેઠ, નિકેત મહેતા, સુશીલ મહેતા, સન ફાર્માના ચેરમેન દિલીપ સંઘવી સહિત અન્ય લોકોના કહેવાથી તેમના દ્વારા મોકલવામાં આવેલા માણસોએ આ સેફવોલ્ટ તોડી ચોરી કરી છે.

 

Shah Jina