સુરતમાં મિત્રની જન્મ દિવસની પાર્ટીમાં સેલ્ફી લેતા સમયે જ બિલ્ડીંગ પરથી નીચે પટકાયો યુવક, બ્રેઈન ડેટ થતા જ પરિવારે કર્યું અંગદાન, ચાર લોકોને મળ્યું નવજીવન

સુરતમાં સેલ્ફી લેવા જતા બિલ્ડીંગ પરથી નીચે પટકાયેલા યુવકનું બ્રેઈન ડેડ થતા પરિવારે લીધો અંગદાનનો નિર્ણય, ચાર લોકોને મળ્યું નવજીવન, મહેકાવી માનવતા

Organ donation of a brain dead youth from Surat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં કેટલાય લોકોના મોત પણ નિપજતા હોય છે, કોઈનું રોડ અક્સમાતમાં મોત થાય તો છે તો કોઈનું અન્ય અકસ્માતમાં પણ મોત થતું હોય છે, ત્યારે સુરતમાંથી પણ એક એવી જ ઘટના ગત 17 જુલાઈના રોજ સામે આવી હતી, જ્યાં એક મિત્રના જન્મ દિવસની પાર્ટીમાં ગયેલા એક યુવકનું સેલ્ફી લેતા સમયે બિલ્ડીંગ પરથી પડી જવાના કારણે મોત નીપજ્યું હતું, જેના બાદ તેના પરિવારે તેના અંગદાન કરવાનો નિર્ણય લઈને ચાર લોકોને નવજીવન આપ્યું.

સેલ્ફી લેતા સમયે બિલ્ડીંગ પરથી પટકાયો યુવક :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ચિત્રકૂટના વતની અને હાલ સુરતના ડિંડોલીમાં આવેલા અશ્વિન પાર્કમાં રહેતા ભૈયાલાલ મિશ્રાનો દીકરો નીરજ મિશ્રા ગત 17 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યાની આસપાસ ભેસ્તાન વિસ્તારમાં આવેલી સુર્યોદય સ્કુલની સામે આવેલા એસએમસીના શોપિંગ સેન્ટરમાં તેના મિત્રના જન્મ દિવસે રાખેલી એક પાર્ટીમાં હાજરી આપવા માટે ગયો હતો. તે સમયે મિત્રો સાથે તે સેલ્ફી લઇ રહ્યો હતો અને આ સમયે જ તે બિલ્ડીંગ પરથી નીચે પટકાયો.

4 દિવસની સારવાર દરમિયાન બ્રેઈન ડેડ થયો :

જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો અને તેને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. નીરજના પિતા લુમ્સના કારખાનામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે આ ઘટનાના ચાર દિવસ બાદ 21મી જુલાઈના રોજ સારવાર દરમિયાન ન્યુરોસર્જન ડો. જય પટેલ તથા ન્યુરો ફિઝિશિયન ડો. કેયુર પ્રજાપતિ, આર.એમ.ઓ. ડો. કેતન નાયક, ડો.નિલેશ કાછડિયાએ બ્રેનડેડ જાહેર કર્યો હતો.

અંગદાન કરીને મહેકાવી માનવતા :

દીકરાના નિધન બાદ પરિવાર તૂટી ગયો હતો, ત્યારે સિવિલ હોસ્પિટલના ડો. નિલેશ, કાઉન્સેલર નિર્મલા કાથુડ, ગુલાબે મિશ્રા પરિવારને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું. જેના બાદ પરિવાર અંગદાન કરવા માટે તૈયાર થયો અને નીરજની બંને કિડની અને બંને આંખોનું દાન સ્વીકારવામાં આવ્યું.  ત્યારે નીરજના અંગદાનના નિર્ણયથી 4 લોકોને નવું જીવન મળ્યું છે. પરિવારે નીરજના અંગોનું દાન કરીને અનોખી માનવતા મહેકાવી છે.

Niraj Patel