ઓનલાઈન ફ્રેન્ડ છોકરીએ સીધા સાદા વેલ્ડરને બાટલીમાં ઉતાર્યો, ખુબસુરતી જોઈને પીગળી ગયો એમાં રચાઈ ગયો ખેલ
ગુજરાતમાંથી અવાર નવાર હનીટ્રેપના કે પછી છેતરપિંડીના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર કોઇ યુવતિઓ દ્વારા યુવક અથવા તો કોઇ આધેડને પોતાની જાળમાં ફસાવી તેમની પાસેથી પૈસા પડાવતી હોય છે. ત્યારે હાલમાં સુરતમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અજાણી વ્યક્તિ સાથે ઓનલાઈન મિત્રતા કરવી એક યુવકને ભારે પડી ગઇ છે. સુરતના લિંબાયતમાં રહેતા એક વેલ્ડરનો સંપર્ક ફેસબુક દ્વારા એક યુવતી સાથે થયો હતો અને બંને વચ્ચે ધીરે ધીરે વાતચીત થઈ હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
આ યુવતિએ યુવકને વાતોમાં ભોળવી તેની સાથે મિત્રતા કેળવી અને તે બાદ તેને એવો બાટલીમાં ઉતાર્યો કે અભ્યાસનું બહાનું કાઢીને તેણે વેલ્ડર પાસેથી લાખો રુપિયા પડાવી લીધા. જો કે, બાદમાં વેલ્ડરને પોતે છેતરાયો હોવાનો અહેસાસ થયો હતો. ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી શાંતિનગર સોસાયટીમાં રહેતો વિજય મોરે વેલ્ડિંગનો વ્યવસાય કરે છે. તેની ગત ફેબ્રુઆરી 2022ના રોજ એક યુવતિ કે જેનું નામ ફેસબુક એકાઉન્ટ પર મનિષા રાવ હતુ,
તેની ફેન્ડ રિક્વેસ્ટ આવી અને આ રિક્વેસ્ટ વિજયે એક્સેપ્ટ કરી હતી. જે બાદ બંને વચ્ચે વાતચીત શરુ થઈ અને આ દરમિયાન યુવતીએ વિજય મોરેને કહ્યુ કે, તે અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહે છે. જે બાદ તેણે મોબાઈલ નંબર પણ આપ્યો હતો. મોબાઈલ નંબરની આપલે બાદ વોટ્સએપ પર વાતચીત અને વીડિયો કોલથી વાત શરૂ થઇ. આ ચેટિંગ દરમિયાન જ એક દિવસ મનિષાએ વિજયને જણાવ્યું કે, તેના પિતા નથી અને માતા મજૂરી કરે છે. તે અભ્યાસ કરે છે અને તેને આ માટે પૈસાની જરુર છે.
તેની સ્કોલરશીપ આવશે એટલે તે રુપિયા પાછા આપી દેશે. વિજય પણ આ યુવતીની વાતોમાં આવી ગયો. તે બાદ તેણે ધીરે ધીરે યુવતીને ઓનલાઈન રુપિયા 3.20 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જો કે, પંદરેક દિવસ બાદ રુપિયા પરત લેવા માટે કોલ કર્યો ત્યારે મનિષાએ અમદાવાદના મણીનગરમાં જવાહરચોક ખાતે આવીને રુપિયા લઈ જવાની વાત કરી ત્યારે વિજય ત્યાં પહોંચ્યો તો એડ્રેસ ખોટુ નીકળ્યુ. જે બાદ તેણે મનિષાને ફોન કર્યા, પરંતુ તેણે ઉપાડ્યા નહોતા. આખરે વિજયને અહેસાસ થયો કે તેની સાથે છેતરપિંડી થઈ છે.