રાજકોટમાં નોન-વેજ ખાવાના શોખીનો માટે માઠા સમાચાર, આ દિવસોમાં નોન વેજ વેંચાણ પર રહેશે પ્રતિબંધ

ભગવાન શિવનો પવિત્ર મહિનો એવો શ્રાવણ માસ અને પર્વ તહેવાર એવો જન્માષ્ટમી અમુક જ દિવસોમાં આવી રહ્યો છે. આ તહેવાર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રનાઆ લોકો માટે ખુબ પવિત્ર અને ખાસ માનવામાં આવે છે. એવામાં આ ખાસ અવસર પર રાજકોટ પાલિકા દ્વારા ખાસ નિયમ લાગુ કરવામાં આવ્યો છે જે નોન વેજ ખાવાના શોખીન લોકો માટે માઠા સમાચાર સમાન છે. રાજકોટ પાલિકાએ શ્રાવણ મહિનાના ચાર સોમવાર અને જન્માષ્ટમી નિમિતે નોન વેજના વેંચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે અને સાથે જ તમામ કતલખાના બંધ રાખવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રવાદીઓ માટે શ્રાવણ મહિનો અને જન્માષ્ટમી નિમિતે ભક્તિમય માહોલ જોવા મળે છે. એવામાં આ બાબતે મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાએ જાહેરનામું બહાર પાડ્યું છે જેના આધારે જન્માષ્ટમી અને શ્રાવણ મહિનાના ચાર સોમવારે નોન વેજ વેંચાણ પર પ્રતિબંધ રહેશે. આ પ્રિતબંધ 1, 8, 12, 15 અને 19 ઓગસ્ટ તારીખ માટે જાહેર કરવામાં આવ્યો છે જેમાં નોન વેજ વેંચાણ અને કતલખાના બંધ રાખવાનો આદેશ છે. આ પ્રતિબંધ ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી એક્ટ 1949ના આધારે સખ્ત પગલાં લેવામાં આવશે.

આ સિવાય રાજકોટ મહાપાલિકા આરોગ્ય શાખા દ્વારા ખાદ્ય પદાર્થોની તપાસ કરવામાં આવી રહી છે જે બાદ અનેક જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે અને નોટીસ પણ આપવામાં આવી છે.થોડા જ દિવસોમાં તહેવારો આવી રહ્યા છે જેને લઇને આરોગ્ય વિભાગ પણ સતર્ક જોવા મળી રહ્યું છે.તો બીજી તરફ, રાજકોટ-શહેરમાં અખાધ નોન વેજ વેચવા ધંધાર્થીઓ પર મનપાની ખાસ ડ્રાઇવ યોજાઈ હતી. આ ત્રણ દિવસમાં અલગ અલગ નોનવેજના ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરાઈ હતી.

મનપા દ્વારા 8 કિલો નોનવેજનો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો હતો. આ ઉપરાંત ખાણીપીણીના અન્ય 17 ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરાઇ હતી. જેમાંથી 9 ધંધાર્થીઓને અખાદ્ય ખોરાક બદલ નોટિસ અપાઈ હતી. પ્રિમીયર ફેટ વેચતા કિશોર એન્ડ કંપનીનો નમૂનો ફેઇલ થતા 10 હજારનો દંડ ફટાકારાયો હતો. જ્યારે કે, માઘવ ડેરીમાં ભેંસના દૂધનો નમૂનો ફેઇલ થતા દંડ ફટકાર્યો છે તેવુ નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું.

Krishna Patel