દુબઈમાં કારીગરોને જલસો કરાવ્યા બાદ નીતિન જાની પહોંચ્યા સુરતના સ્વામિનારાયણ મંદિરમાં, સેવાકીય કાર્ય માટે મંદિરે આપ્યું ખુબ જ મોટું દાન, જુઓ વીડિયો

લાખો ગુજરાતીઓનું દિલ જીતનારા નીતિન જાનીના સેવાકીય કાર્યોમાં સુરતના સ્વામિનારાયણ મંદિરે હાથ લંબાવ્યો, ખજુરભાઈને આપ્યું આટલા લાખનું દાન

ગુજરાતમાં લોકો માટે મસીહા બની ચૂકેલા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની હવે એક એવું નામ બની ગયું છે જે ગુજરાતના દરેક ગામ અને ઘરમાં ગુંજી રહ્યું છે. નીતિન જાનીએ પોતાના કેરિયરની શરૂઆત કોમેડી વીડિયો દ્વારા કરી હતી, તેમને સોશિયલ મીડિયામાં પોતાના કોમેડી વીડિયો પોસ્ટ કરી અને ગુજરાતીઓને પેટ પકડીને હસાવ્યા હતા.

જયારે છેલ્લા બે વર્ષથી તૌકતે વાવાઝોડા સમયે નીતિન જાનીએ લોકોને ખુબ જ મદદ કરી અને તેમની મદદનો પ્રવાહ આજે પણ ચાલી રહ્યો છે. ગુજરાતમાં તેમને 200 ઘર બનાવ્યા અને લોકોને આશરો આપ્યો, ત્યારે આ ખુશીની ઉજવણી કરવા માટે તે આ કામમાં સહભાગી બનેલા લોકોને લઈને 5 દિવસના દુબઇ પ્રવાસે પણ ગયા હતા.

નીતિન જાનીએ દુબઈમાં 5 દિવસનું વેકેશન મનાવ્યું તેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા, જેમાં વૃદ્ધ દાદા પણ હતા તેમને પણ નીતિન જાનીએ દુબઇમાં ફેરવી અને ચાહકોના દિલ જીતી લીધા હતા. દુબઇ પ્રવાસ બાદ નીતિન જાની ભારત પરત આવ્યા અને સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા હતા.

નીતિન જાનીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સ્વામિનારાયણ મંદિરના વીડિયો શેર કર્યા છે, જેમાં જોઈ શકાય છે ખજુરભાઈને જોવા માટે મંદિરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ, સાથે જ ખજુરભાઈએ પણ ચાહકોનું અભિવાદન ઝીલવાની સાથે સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કર્યા હતા.

નીતિન જાની બે હાથ જોડી અને ભગવાન સામે ઉભેલા છે, તો ચાહકો સામે પણ બે હાથ જોડી અને તેમનો આભાર વ્યક્ત કરતા જોવા મળે છે. જેના બાદ તે સાધુ સંતો સાથે પણ વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. નીતિન જાની ઉર્ફે ખજુરભાઈ સ્વામિનારાયણ મંદિરમાં પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા.

ખજુરભાઈએ એક બીજો વીડિયો પણ શેર કર્યો છે જેમાં જોઈ શકાય છે સ્વામિનારાયણ મંદિરના સંતોના હાથે નીતિન જાનીને એક ચેક અર્પણ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોના કેપશનમાં જ નીતિન જાનીએ આ ચેક શા માટે અર્પણ કરવામાં આવ્યો છે તેની માહિતી પણ આપી દીધી છે.

નીતિન જાનીએ કેપશનમાં જણાવ્યું છે કે, “જય સ્વામિનારાયણ ! જય શ્રી કૃષ્ણ ! આજે સ્વામિનારાયણ મંદિર વેડ રોડ દ્વારા અમને 2.5 લાખ રૂપિયાની ધન રાશિ સેવાકીય કાર્યો માટે આપવામાં આવી !” આ વીડિયોમાં મંદિરના સંતો નીતિન જાનીનું હાર પહેરાવીને સન્માન કરતા પણ જોવા મળી રહ્યા છે.

નીતિન જાનીએ ગરીબ લોકોની છેલ્લા બે વર્ષમાં જ ખુબ જ મદદ કરી છે, તેમને રહેવા માટે ઘર અને રોજગારી પણ આપવાનું કામ કર્યું છે, ઘણી મહિલાઓને પણ પગભર કરી છે. ત્યારે નીતિન જાનીના સેવાકીય કાર્યોમાં સહભાગી થવા માટે પણ ઘણી સંસ્થાઓ આગળ આવી રહી છે, અને હાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવેલું આ દાન ખજુરભાઈના સેવાકીય કાર્યોમાં મદદરૂપ પુરવાર થશે.

Niraj Patel