ફરી એકવાર ખજુરભાઇએ મહેકાવી માનવતા, 90 વર્ષના દાદી અને તેમના દિવ્યાંગ છોકરા માટે કર્યું મોટું કામ

35 વર્ષ બાદ 90 વર્ષના દાદી તેમના દિવ્યાંગ છોકરા સાથે કરશે દીવાળી ! ખજુરભાઇ નીતિન જાણીએ કરી દીધું મોટું કામ

લોકો માટે મસીહા બની ચૂકેલા અને ગુજરાતના સોનુ સૂદ તરીકે ઓળખાતા નીતિન જાની ઉર્ફે ખજુરભાઈને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેમણે ભલે કોમેડીથી પોતાના કરિયરની શરૂઆત કરી હોય પરંતુ આજે તેઓ ગુજરાતના દરેક ઘરમાં ઓળખાય છે. ગુજરાતની અંદર તેમને અનેક લોકસેવાના કાર્યો કર્યા છે અને અનેક લોકોને તેમને ઘર બનાવી આપ્યા છે.નીતિન જાની ગમે ત્યાં જાય તેમના સેવાકીય કાર્યોની ઝલક જોવા મળતી હોય છે. ખજુરભાઈ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને તેમના વીડિયો પણ શેર કરતા રહે છે,

જેમાં તેમના સેવાકીય કામોની ઝાંખી જોવા મળતી હોય છે. તેમના સેવાકીય કામોને લોકો બિરદાવતા પણ હોય છે. ત્યારે હાલમાં જ તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જે તેમણે તેમના ઇન્સ્ટા પેજ પર શેર કર્યો છે. વીડિયોમાં તેઓ એક પરિવારને નવું ઘર બનાવી આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોના કેપ્શનમાં નીતિન જાનીએ લખ્યુ- નવસારી જિલ્લાના અને વાંસદા તાલુકાના ગોધાબારી ગામ, જ્યાં 90 વર્ષની દાદી તેમના 40 વર્ષિય દિવ્યાંગ છોકરા સાથે રહે છે.

ઘરની હાલત ઘણી ખરાબ છે અને કમાવવાવાળુ પણ કોઇ નથી. અમે તેમનું ઘર બનાવવાની શરૂઆત કરી છે. 35 વર્ષ બાદ તેમની દીવાળી નવા ઘરમાં થશે. વીડિયોમાં પહેલા નીતિન જાની કારમાંથી ઉતરતા અને તે દાદીના ઘરમાં જતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં દાદીની, તેમના દિવ્યાંગ છોકરાની અને ઘરની હાલત ઘણી ખરાબ દેખાઇ રહી છે. નીતિન જાની દાદી અને તેમના છોકરાને ઘરની બહાર ઉંચકીને લાવે છે અને પછી તેમનું ઘર બનાવતા વીડિયોમાં જોઇ શકાય છે.

ખજુરભાઇ વીડિયોમાં એક વ્યક્તિને કહી રહ્યા છે કે તમને શેની જરૂર છે તો તે કહી રહ્યા છે કે અમને ઘર બનાવી દો, ખાવાનું પણ જોવે અને કપડા પણ નથી. નીતિન જાની વીડિયોમાં કહી રહ્યા છે કે જે લોકો સાપુતારા ફરવા આવે છે અથવા તો આજુબાજુના કોઇ પણ વિસ્તારમાં ફરવા આવે છે, તો આવા ઘણા ઘર જોવા મળશે જેમને ખરેખર સપોર્ટની જરૂર છે, તો આવા લોકોને આપણાથી જે પણ થાય તે સપોર્ટ કરીએ.

ખજુરભાઇ ઉર્ફે નીતિન જાની તે દાદી અને તેમના દીકરા માટે ટેન્ટ બનાવીને તેમને અંદર સૂવડાવતા પણ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, નીતિન જાનીએ સોશિયલ મીડિયામાં પોતાના કોમેડી વીડિયો પોસ્ટ કરી અને ગુજરાતીઓને પેટ પકડીને હસાવ્યા હતા. ત્યારે છેલ્લા બે-ત્રણ વર્ષથી વધુ સમયથી તેઓ લોકોની મદદ કરી રહ્યા છે. તેમણે તૌકતે વાવાઝોડા સમયે ઘણા લોકોને ખુબ જ મદદ કરી હતી અને તેમની મદદનો પ્રવાહ આજે પણ વહી રહ્યો છે.

થોડા સમય પહેલા ગુજરાતમાં તેમણે 200 ઘર બનાવ્યા અને લોકોને આશરો આપ્યો, 200 ઘર બનાવવાની ખુશીની ઉજવણી કરવા માટે તે આ કામમાં સહભાગી બનેલા લોકોને લઈને 5 દિવસના દુબઇ પ્રવાસે પણ ગયા હતા. જ્યાંથી તેમણે તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

Shah Jina