નવસારીમાં મેઘરાજાનો કહેર, નદીઓમાં ઘોડાપૂર….2 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, પૂર્ણા નદીએ વટાવી ભયજનક સપાટી

અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીની જળસપાટીમાં વધારો, પૂર્ણા નદીની જળસપાટી 16 ફૂટ થતા નવસારી પાલિકાનું તંત્ર એલર્ટ

Heavy rains in Navsari :ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે અને ઘણી જગ્યાએ તો મેઘરાજાનો કહેર પણ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને નવસારીમાં તો છેલ્લા 2 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ અને અને છેલ્લા 24 કલાક દરમિયાન તો 11 ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે અને જનજીવન પણ ઠપ થયું છે.

2 કલાકમાં જ 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
શહેરમાં વરસાદી પાણી ભરાઈ જતા ઘણા લોકોનું સ્થળાંતર પણ કરાયું છે. મોડી રાતે અચાનક પાણી આવી જતા લોકો પોતાનો કીમતી સામાન મૂકીને સુરક્ષિત સ્થળે જવા મજબૂર બન્યા હતા. પૂર્ણા, કાવેરી અને અંબિકા નદી તો બે કાંઠે વહેતી થઈ ગઇ છે. અંબિકા નદીની સપાટી માત્ર બે કલાકમાં જ 10 ફૂટ વધી હતી, તો પૂર્ણા નદી ભયજનક સપાટી 23 ફૂટ પર છે, કાવેરી નદી પણ બે કાંઠે વહેતી થઈ 13 ફૂટ ઉપર પહોંચી છે.

તડકેશ્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ
કાવેરી નદીનું જળસ્થર વધતા તડકેશ્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઇ જવા પામ્યુ છે. અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા છે અને ભારે વરસાદના કારણે ચીખલીથી હરણ ગામ જતો માર્ગ પણ અવર-જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જલાલપોરમાં 3 ઈંચ, વાંસદામાં સવાં ઇંચ જેટલો તેમજ ખેરગામમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે હવે પાણીની સતત આવક થતા વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે.

ભારે વરસાદને પગલે લોકોને હાલાકી
જુનાથાણા નજીક MPના રાજ્યપાલ મંગુભાઈ પટેલના જૂના મકાનને પણ વરસાદી પાણીની અસર થઈ છે. જુનાથાણા, દશેરા ટેકરી, આદર્શનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. ભારે વરસાદને પગલે લોકોને પણ હાલાકી પડી રહી છે. નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પણ સ્થળાંતર કરવા લાગ્યા છે.

તમામ નદી-નાળાઓ છલકાઇ ઉઠ્યા
ધોધમાર વરસાદને પગલે નવસારીમાં તમામ નદી-નાળાઓ છલકાઇ ઉઠ્યા છે અને જિલ્લાની પૂર્ણા નદીની જળસપાટી 22 ફૂટને પાર છે. પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર છે. આ તરફ હવે નીંચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને પગલે સાવચેતીના ભાગરૂપે શહેરની તમામ શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવાઇ છે.

Shah Jina