નવસારીમાં 21 વર્ષીય LLBના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં શોક
ગુજરાતમાંથી અવાર નવાર હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં વધુ એક ઘટના સામે આવી છે. નવસારીમાં રહેતા 21 વર્ષીય યુવકનું સંભવિત હૃદય રોગના હુમલાથી મોત થતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. નવસારીને અડીને આવેલ જલાલપુરમાં રહેતો 21 વર્ષિય દર્શિલ LLBના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો.
ત્યારે સવારે 10 વાગ્યાની આસપાસ તે તેના ઘરે હતો તે દરમિયાન સંભવિત રીતે એકાએક હૃદય રોગનો હુમલો આવતા પહેલા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. દર્શિલના પિતા પ્રકાશ ભંડારી જલાલપુરમાં હોલસેલ અનાજ કરિયાણાના વેપારી છે અને દર્શિલ પરિવારમાં એકનો એક દીકરો હતો, જે વકીલ બનવાના સપના જોતો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકને કારણે થતા મોત ઝડપથી વધી રહ્યા છે.